મોરબી:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી 23 થી 30 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના મદુરાઈ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્પર્ધા માટે પશ્ચિમ ઝોનની ટીમોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોરબીના બે જાણીતા સ્પોર્ટ્સ ક્ષેત્રના અગ્રણીઓને મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ધ રોર ક્રિકેટ ક્લબ મોરબીના ડાયરેક્ટર તેમજ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના ઓવરઓલ ઈન્ચાર્જ ડૉ. અલી ખાનની વેસ્ટ ઝોન અંડર-19 મેન્સ ટીમના મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડૉ. અલી ખાનને ગત વર્ષે પણ અંડર-17 ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સોંપાઈ હતી.
આ ઉપરાંત, મોરબીની નાલંદા વિદ્યાલયના રમતગમત વિભાગના વડા રાજનારાયણ દ્વિવેદીને સતત બીજા વર્ષે વેસ્ટ ઝોન અંડર-17 ટીમના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ વિશેષ સિદ્ધિ અંગે મીડિયા સાથે વાતચીત કરતા ડૉ. અલી ખાને વેસ્ટ ઝોન ક્રિકેટ બોર્ડનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ નિમણૂક સમગ્ર મોરબી જિલ્લા અને રમતજગત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય સ્પર્ધાની પૂર્વતૈયારીના ભાગરૂપે 19 થી 21 ઓક્ટોબર દરમિયાન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ત્રણ દિવસીય રાષ્ટ્રીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તમામ ખેલાડીઓને વિશેષ પ્રશિક્ષણ આપી આગામી ટુર્નામેન્ટ માટે સજ્જ કરવામાં આવશે.