Friday - Jul 03, 2026

મોરબીના મયુર પુલ ઉપર બાંકડા મુકવા સામાજિક કાર્યકરોની કમિશનરને રજૂઆત

મોરબીના મયુર પુલ ઉપર બાંકડા મુકવા સામાજિક કાર્યકરોની કમિશનરને રજૂઆત

મોરબી : મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબીની મયુર ચોપાટી ફરવા તથા બેસવાનું સ્થળ છે તો ત્યાં જે બાંકડા મૂકવામાં આવ્યા છે તેમાં વધારો કરવા મહાનગરપાલિકાના કમિશનર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગિરિશભાઈ કોટેચાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીની મયુર ચોપાટી ફરવા તથા બેસવાનું સ્થળ છે ત્યાં જે બાંકડા મૂકવામાં આવ્યા છે તેમાં વધારો કરવામાં આવે તેવી વૃદ્ધો અને પ્રજાજનની માંગણી છે. હાલ જે જગ્યાએ બાંકડા મૂક્યા છે તે કચરામાં મૂક્યા છે ત્યાં લોકો કેવી રીતે બેસી શકે ? તેથી સારી જગ્યાએ બાંકડા મૂકવામાં આવે તો તેનો ઉપયોગ થઈ શકે અને જે લોકો મયુર પુલ પર બેસવા આવે છે તેમને નીચે બેસવું ન પડે. આ અંગે અગાઉ પણ રજૂઆત કરી હતી તેમ છતાં બાંકડા મૂકવામાં આવ્યા નથી. આ ઉપરાંત શોભેશ્વર રોડ પર જે ફરવા લાયક સ્થળ છે તે ખંઢેર હાલતમાં હોવાથી ત્યાં આવારા તત્વોએ અડિંગો જમાવી દીધો છે. તો આ પિકનિક સેન્ટરનું રીનોવેશન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરીને ફરીથી પિકનિક સેન્ટર ઉભું થાય, વોટરપાર્ક થઈ શકે તો લોકો તેનો આનંદ માણી શકે છે. તથા દરબારગઢ, સરકારી હોસ્પિટલ પાસે, સરદાર વલ્લભભાઈના પૂતળા પાસે મયુરપુલ પાસે તથા મોરબીમાં અનેક જગ્યાએ તથા સર્કલ પર ફુવારા ચાલુ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.