6 મહિના જૂના અકસ્માત કેસમાં સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા એસપીની કડક કાર્યવાહી : કાયદાનો અમલ કરાવનાર જ કાયદો તોડે તો તેની સામે પણ કાયદાનું શસ્ત્ર ઉગામાશે
મોરબી : કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના ખભા પર છે, તેવા પોલીસકર્મીએ જ કાયદાનો ભંગ કર્યો હોય તો તેની સામે પણ કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવશે, તેવો સ્પષ્ટ સંદેશ મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની કાર્યવાહીએ આપ્યો છે.
મોરબી : મોરબી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી અજય લાવડીયાને દારૂના નશામાં સરકારી વાહન ચલાવી અકસ્માત સર્જવો ભારે પડ્યો છે. આશરે છ મહિના પૂર્વે બનેલી આ ઘટનામાં પોલીસકર્મીના લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે અજય લાવડીયાને ગઈકાલે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
કાયદો અમલમાં મૂકનાર જ કાયદો તોડે તો પણ કાર્યવાહીથી છૂટ નહીં
પોલીસકર્મીઓ કાયદાનું પાલન કરાવે છે અને સમાજમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવે છે. પરંતુ જો કોઈ પોલીસકર્મી પોતે જ કાયદો કે પોલીસ વિભાગની શિસ્તનો ભંગ કરે તો તેની સામે પણ નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવો આ કેસથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે.
સરકારી વાહન જેવી જવાબદારીવાળી ફરજ દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવવાના ગંભીર કૃત્ય સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા કાયદો સૌ માટે સરખો છે તે વાત વધુ એક વખત સ્પષ્ટ થઈ છે.
પોલીસકર્મીઓ માટે બોધપાઠ
આ કાર્યવાહી માત્ર એક કર્મચારી સામેની શિસ્તભંગની કાર્યવાહી નહીં, પરંતુ ફરજ દરમિયાન બેદરકારી કે કાયદાભંગ કરનાર અન્ય પોલીસકર્મીઓ માટે પણ બોધપાઠ સમાન બની છે. કાયદાનું રક્ષણ કરવાની ફરજ ધરાવતા કર્મચારીઓએ પોતે પણ કાયદા અને શિસ્તની મર્યાદામાં રહી ફરજ બજાવવી જરૂરી છે