મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં શનિવારે તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ તેમજ દારૂ પીનારા ઉપર ધોસ બોલાવી હતી. એક જ દિવસમાં પોલીસે અલગ અલગ 48 જેટલી કાર્યવાહીમાં સેંકડો લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી જિલ્લામાં દેશી દારૂનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફુલ્યું ફાલ્યું છે અને પોલીસ નિરંતરપણે ઝુંબેશરૂપે કામગીરી કરી રહી હોવા છતાં પણ દેશી દારૂના ધંધાર્થીઓ અને પીવા વાળાઓ બેઅસર છે ત્યારે શનિવારે મોરબી શહેર અને જિલ્લામાં દેશી દારૂ પીનાર, બનાવનાર તેમજ વેચનારાઓ ઉપર પોલીસે ધોસ બોલાવી કુલ 48 જેટલા કિસ્સામાં કાર્યવાહી કરી હતી. જેમાં હળવદમાં 9, ટંકારામાં 3, માળીયા મિયાણામાં 3, વાંકાનેર તાલુકામાં 8, વાંકાનેર સીટીમાં 4, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 6, સીટી બી ડિવિઝન પોલીસે 7 અને મોરબી તાલુકા પોલીસે 9 કિસ્સામાં પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
દરમિયાન મોરબી તાલુકા પોલીસે મકનસર ગામે ગોકુલનગરમાં આરોપી રામજી ઉર્ફે રામો છનાભાઈ જીંજવાડિયાની સરકારી ખરાબામાં આવેલ ઓરડીમાં દરોડો પાડી આરોપી જીતેશ વિરજીભાઈ થરેશાને દેશી દારૂની ભઠ્ઠી સાથે ઝડપી લઈ રૂપિયા 4400ના દેશી દારૂ, આથો તેમજ અન્ય સાધનો મળી 6550ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.