મનપામાં સંકલન સમિતિની બેઠક મળી, શહેરમાં ચાલતા વિવિધ કામોની સમીક્ષા હાથ ધરાઈ
મોરબી : મોરબી મહાપાલિકામાં આજે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરમાં ચાલતા વિવિધ કામોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. શહેરમાં રોડ, લાઈટ, ગટર, પાણી ભરાવાના કામ આ મહિને જ પૂર્ણ કરવાની સાથે આગામી ત્રણ મહિનામાં 40 વિકાસ કામોના ખાતમુહૂર્તના આયોજનો કરવાનો નિર્ણય જાહેર કરાયો છે.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મહાપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને રોડ રીસર્ફેસિંગની કામગીરી જે મુખ્ય રસ્તાઓ ઉપર ચાલી રહી છે. તેને ત્વરિત પૂર્ણ કરવામાં આવશે. અમુક વિસ્તારોમાં ગટરોના પ્રશ્નો છે તેનો નિકાલ થાય અંગે પણ ચર્ચા થઈ હતી. રાજકોટ કોર્પોરેશનમાંથી બે જેટિંગ મશીન 10 દિવસ માટે અમને મળ્યા છે. ઝડપથી ફરિયાદોનો નિકાલ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી છે. ઘણા કામ સરકાર દ્વારા મંજૂર થયા છે જે અત્યારે પ્રક્રિયાના સ્ટેજ ઉપર છે. ટેન્ડર પૂર્ણ કરી આ કામો શરૂ થશે. પાનેલી તળાવ એએસના સ્ટેજ ઉપર છે. જે પૂર્ણ કરીને ટેન્ડર બહાર પાડીશું. ઉનાળાના સમયમાં જયાથી મહત્તમ ફરિયાદો પાણી વિતરણની આવે છે તે વીસીપરા અને રણછોડનગર માટે વોટર ડીસ્ટ્રીબ્યુશનનું આખું નેટવર્ક સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. તેનું પણ ટૂંક સમયમાં ટેન્ડર કરવામાં આવશે. મોડેલ ફાયર સ્ટેશન પણ સરકારે મંજૂર કર્યું છે. ટેન્ડરનો એક પ્રયત્ન પૂર્ણ થઈ ગયો છે. બીજો પ્રયત્ન ચાલુ છે. શહેરના ત્રણ પ્રમુખ ગાર્ડન સુરજબાગ, શંકરઆશ્રમ અને કેસરબાગ આ ત્રણેયના ટેન્ડર હાલ ઓનલાઈન છે. જે ટૂંક સમયમાં ખુલવાના છે. સરદારબાગની કામગીરી હાલ ચાલી રહી છે. તે એકથી દોઢ મહિનામાં ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.