Friday - Feb 13, 2026

ટંકારાના જુગાર તોડકાંડમાં પીઆઇની ધરપકડ, સોમવાર સુધી રિમાન્ડ ઉપર

ટંકારાના જુગાર તોડકાંડમાં પીઆઇની ધરપકડ, સોમવાર સુધી રિમાન્ડ ઉપર

મોરબી : ટંકારાના ચકચારી જુગાર તોડકાંડમાં ફરાર પીઆઈની એસએમસીએ આદિપુરથી ધરપકડ કર્યા બાદ તેઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

ટંકારા પોલીસ મથકના તત્કાલિન પીઆઈ યુવરાજ કિશોરસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત હરિસિંહ સોલંકી સહિત પોલીસ કર્મીઓએ તા.24 ઓક્ટોબર 2024ની રાતે કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નં.105માં ઘૂસી 8 લોકોને જુગાર કેસમાં પકડીને તોડ કર્યો હતો. તેઓએ જુગારનો કેસ દાખલ નહીં કરવા, મીડિયામાં ફોટા નહીં આપવા, પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા, સવારે જામીન આપી દેવાની અવેજીમાં 51 લાખ લીધા હોવાનું કહેવાય છે.

આ કેસની તપાસ માટે એસએમસીની ટીમે પણ ઝુકાવ્યું હતું. જે બાદ તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ સરેન્ડર કર્યું હતું. બાદમાં ફરાર પીઆઈ વાય.કે. ગોહિલને એસએમસીની ટીમે કચ્છના આદિપુરથી પકડી લીધા છે. આ પીઆઈને કોર્ટમાં 10 દિવસની રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે તેઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રિમાન્ડ દરમિયાન આ પીઆઇ આટલા દિવસ સુધી ક્યાં ક્યાં રોકાયા હતા, તોડ કરેલા નાણાં ક્યાં છે તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવશે. વધુમાં તેઓનો મોબાઈલ એફએસએલમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.