કલાકો સુધી વીજળી ગુલ થવા છતાં વીજ તંત્ર ધ્યાન ન આપતા રહીશો વિફર્યા
મોરબી : મોરબીમાં ફરી સામાન્ય વરસાદમાં પણ પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મોરબીના સામાકાંઠે સોઓરડી ચામુંડાનગર વિસ્તારમાં રોજ રોજના વીજ ધાંધીયાથી કંટાળી રહીશોએ પીજીવીસીએલમાં મોરચો માંડ્યો હતો. જો કે, કલાકો સુધી વીજળી ગુલ થવા છતાં વીજ તંત્ર ધ્યાન ન આપતા રહીશો વિફર્યા હતા અને રહીશો પીજીવીસીએલ કચેરીએ દોડી જઇ અધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી કે, છેલ્લા છ મહિનાથી કાયમી એકાદ બે કલાક સુધી લાઈટ ગુલ થઈ.જાય છે. તેમાંય હમણાં વરસાદ પડ્યો ત્યારે સતત બે દિવસ સુધી કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાય જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સતત રિટર્ન પાવર આવતો હોવાથી વીજ ઉપકરણો બળી જતા ભારે આર્થિક નુકશાની ભોગવવી પડે છે.જ્યાંથી ગ્રામ્ય ભડીયાદ ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે ત્યારથી જ સતત વીજ ફોલ્ટ થતા આ સમસ્યા સર્જાય છે. જો કે લાઈટ ગયા બાદ ઘણીવાર ફોલ્ટ સેન્ટરમા ફોન લાગતો જ નથી અને કદાચ ફોન લાગે યોગ્ય જવાબ મળતો નથી. તેમજ સંતોષકારક કામગીરી પણ થતી નથી. આથો રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતો હોય અધિકારીને આવેદન આપી આ કાયમી વીજ સમસ્યામાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. આથી અધિકારીએ કમસેકમ ઓછી મુશ્કેલી થાય તેવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીજળી ગુલની સમસ્યા એક વિસ્તાર પૂરતી જ નથી. હમણાં વરસાદ પડ્યો ત્યારે ઘણા વિસ્તારોમાં વીજ સમસ્યા થઈ હતી. જેમાં શહેરના હાર્દ સમાન હોસ્પિટલ ઝોન વિસ્તાર સાવસર પ્લોટ, અંબિકા રોડ, વિરપર સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. આથી લોકોએ એવી કોમેન્ટ કરી છે કે, તંત્રએ એવી સિસ્ટમ ગોઠવી છે કે, મોરબીમાં કે વરસાદના બે છાંટા પડે એટલે ઓટોમેટીક લાઇટ ગુલ થઇ જાય છે. આથી આવી બેદરકારીભરી કામગીરી બદલ ચોમાસમાં પીજીવીસીએલ તંત્રનું સન્માન ગોઠવવું જોઈએ તેવો લોકોએ કટાક્ષ વ્યક્ત કર્યો છે.