ટંકારા તાલુકા મિતાણા ગામે વાડીએ સૂતેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યા બાદ શ્વાને જીવ બચાવ્યો
શ્વાને બચકું ભરી લેવાના કારણે કોઈનુ મૃત્યુ નીપજયુ હોય તેવી ઘટનાઓ ઘણી વખત સામે આવે છે અને પાલતુ શ્વાનના લીધે વ્યક્તિનો જીવ બચ્યો હોય તેવી ઘટનાઓ પણ અમુક સામે આવતી હોય છે આવી જ એક ઘટના મોરબી જીલ્લાના મીતાણા ગામે વાડી વિસ્તારમાં બની હતી જ્યાં ઘર પાસે સૂતેલા યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાનના ઘરની અંદર જે પાલતુ શ્વાન હતો તેને છૂટો મૂકવામાં આવતા શ્વાન હુમલો કરવા આવેલા ત્રણેય શખ્સો ઉપર તુટી પડતા હુમલાખોરો નાસી છુટ્યા હતા અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થયેલ છે.
ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવવા માટે જે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યુ છે કે ગત તારીખ 12/4/2025 ના રોજ રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તે પોતાની વાડીએ ઘર પાસે બહાર સૂતો હતો ત્યારે તેના પત્ની અને તેનો નવ વર્ષનો દીકરો પણ બહારના ભાગે સુતા હતા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો યુવાનો પર તૂટી પડ્યા હતા અને તેના હાથમાં રહેલ લોખંડની વસ્તુ યુવાનને માથા, મોઢા તથા શરીર ઉપર મારી હતી જેથી યુવાનની પત્ની અને તેનો દિકરો બુમાબુમ કરવા લાગ્યા હતા અને તે જોઈને ઘરમાં રાખેલ પાલતુ શ્વાન જોની ભસવા લાગ્યો હતો અને યુવાન પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરતો હતો દરમિયાન જે જગ્યાએ જોનીને બાંધીને રાખવામાં આવ્યો હતો ત્યાં સુધી યુવાન પહોંચી ગયો હતો અને જોનાને છૂટો મૂકતા તેણે હુમલાખોરોની પાછળ દોટ મુકતા હુમલાખોરો ઘરની દિવાલ કૂદીને નાસી છૂટ્યા હતા આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેના ફૂટેજ પોલીસે કબજે કર્યા છે અને હુમલાખોરોને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે