Friday - Oct 16, 2026

મોરબી મનપાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો કોરણે મુક્યા : નામકરણના મુદ્દા કેન્દ્રસ્થાને

મોરબી મનપાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો કોરણે મુક્યા : નામકરણના મુદ્દા કેન્દ્રસ્થાને

રોડ-રસ્તા, ગટર, પાણી અને સફાઈની સમસ્યાઓ વચ્ચે ફરી માર્ગ-સર્કલને નામ આપવાની દરખાસ્તો; વિકાસના કામોની ચર્ચા અંગે શહેરીજનોમાં સવાલો

મોરબી : મોરબી શહેરમાં રોડ-રસ્તા, ગટર, પાણી અને સફાઈ સહિતની પાયાની સુવિધાઓને લઈને નાગરિકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભાના એજન્ડામાં ફરી નામકરણની દરખાસ્તો સામે આવી છે. પ્રજાના રોજિંદા પ્રશ્નો અને શહેરના વિકાસના કામોને કેટલું સ્થાન મળી રહ્યું છે તેવો સવાલ ઊઠાવતી આ બેઠકમાં ન્યુ હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગ અને લીલાપર ચોકડી પાસેના સર્કલના નામકરણ અંગે વિચારણા થવાની છે.

મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ગુરુવારે સવારે 11 વાગ્યે મુખ્ય કચેરીના બીજા માળે આવેલા મિટિંગ હોલમાં યોજાવાની છે. બેઠકના એજન્ડામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત બે સ્થળોના નામકરણની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. ન્યુ હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને સ્વ. પરબતભાઈ રબારી માર્ગ નામ આપવા તેમજ લીલાપર ચોકડી પાસે આવેલા સર્કલને ભારતીય સૈન્ય સાથે સંકળાયેલા રણછોડદાસ પગીનું નામ આપવા અંગે વિચારણા કરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.

નામકરણની આ દરખાસ્તો વચ્ચે સામાન્ય સભાના એજન્ડાને લઈને શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. અગાઉની સામાન્ય સભામાં પણ ત્રણથી ચાર સ્થળોના નામકરણ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ગત 2 ઓક્ટોબરે બોલાવવામાં આવેલી ખાસ સામાન્ય સભા માત્ર એક જ મુદ્દા સાથે આશરે પાંચ મિનિટમાં પૂર્ણ થઈ હતી. હવે ફરી મળનારી બેઠકમાં પણ નામકરણના મુદ્દાઓને સ્થાન મળતાં મહાનગરપાલિકાની કામગીરીની પ્રાથમિકતાઓ અંગે સવાલો ઊઠી રહ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની ઉપલબ્ધતા અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ નાગરિકો માટે મહત્ત્વની છે. આવા પ્રશ્નોના ઉકેલ માટેની કામગીરી, આયોજન અને સમયમર્યાદા અંગે સામાન્ય સભામાં કેટલી ચર્ચા થાય છે તે બાબત પણ એટલી જ મહત્ત્વની છે. સ્થળોને મહાનુભાવોનાં નામ આપવાની સાથે નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓના નિરાકરણને પણ બેઠકના એજન્ડામાં પ્રાધાન્ય મળે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

નામકરણની દરખાસ્તો રજૂ થવી એક બાબત છે, પરંતુ શહેરના પાયાના પ્રશ્નો અંગે ચર્ચા અને તેના ઉકેલ માટેની નક્કર કાર્યવાહી પણ સામાન્ય સભાનો મહત્ત્વનો હિસ્સો બનવી જોઈએ.મોરબીના નાગરિકો માટે હવે સવાલ એ છે કે મહાનગરપાલિકાની બેઠકોમાં નામકરણની સાથે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ક્યારે અને કેવા નિર્ણયો લેવાય છે.