ચાર વર્ષથી અવિરત સેવાયજ્ઞ: દર મહિને 25 માતાઓને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની સહાય
મોરબી : માં શક્તિની સાધના-આરાધનાના મહાપર્વ નવરાત્રિના પાવન પર્વે સેવાભાવ અને માનવતાની લાગણી સાથે જરૂરિયાતમંદોની મદદ કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા છેલ્લા ચાર વર્ષથી ‘માતાને દત્તક લેવાનો’ પ્રકલ્પ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત દર મહિને 25 જરૂરિયાતમંદ માતાઓને અનાજ-કરિયાણાની કિટનું વિતરણ કરી તેમની જીવનજરૂરિયાતો પૂરી કરવામાં સહાય કરવામાં આવે છે.
નવરાત્રીમાં સેવાકાર્યનો મુખ્ય હેતુ એવી માતાઓને મદદરૂપ થવાનો છે, જેઓ વૃદ્ધાવસ્થા, શારીરિક અસમર્થતા, એકલવાયા જીવન અથવા નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કમાણી કરી શકતી નથી અને ઘરનું રાશન મેળવવામાં પણ મુશ્કેલી અનુભવે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં પણ સંસ્થા દ્વારા 25 જરૂરિયાતમંદ માતાઓને અનાજ-કરિયાણાની કિટ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા દર મહિને નિયમિત રીતે આ સહાય પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત, અન્ય જરૂરિયાતમંદ પરિવારો વિશે માહિતી મળે ત્યારે તેમને પણ શક્ય તેટલી મદદ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવે છે.
જરૂરિયાતમંદ માતાઓને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે અને તેમના જીવનમાં થોડી રાહત મળે એ જ આ સેવાકાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ છે. જરૂરિયાતમંદોની સેવા કરવાની તક મળે છે એ માટે સંસ્થાના સભ્યો ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
સેવાકાર્યમાં સહભાગી બનવાની તક
સમાજમાં એવી કોઈ વૃદ્ધ, એકલવાયી અથવા આર્થિક રીતે નબળી માતા હોય, જે કમાઈ શકતી ન હોય અને જેને ખરેખર અનાજ-કરિયાણાની કિટની જરૂરિયાત હોય, તો તેની માહિતી સંસ્થા સુધી પહોંચાડવા જણાવાયું છે. આ સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા માટે દાન પણ આવકારવામાં આવે છે.
જરૂરિયાતમંદોની પડખે ઊભા રહી સેવા, સંવેદના અને માનવતાની ભાવનાને મજબૂત બનાવવાના હેતુથી મુસ્કાન વેલ્ફેર સોસાયટી સતત કાર્યરત છે.
*સંપર્ક નંબર : 9016976954*