Friday - Oct 16, 2026

મોરબી મનપાની સભામાં નામકરણના બે એજન્ડા વચ્ચે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને હોબાળો

મોરબી મનપાની સભામાં નામકરણના બે એજન્ડા વચ્ચે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને હોબાળો

સ્ટ્રીટ લાઈટ, બિસ્માર રસ્તા, બાંધકામ મંજૂરી સહિતના મુદ્દે કોર્પોરેટરોનો અધિકારીઓ સામે રોષ

મોરબી : મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં માત્ર બે નામકરણના એજન્ડા હોવા છતાં શહેરના પ્રશ્નોને લઈને કોર્પોરેટરોએ અધિકારીઓ સામે સવાલોની ઝડી વરસાવી હતી. નવરાત્રી દરમિયાન ગરબી ચોકમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ અને લાઈટની કામગીરીમાં ભેદભાવની ફરિયાદો ઉઠી હતી. ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી બાદ રસ્તાઓનું યોગ્ય પેચવર્ક ન થતાં ખાડા અને ધૂળની સમસ્યા અંગે રોષ વ્યક્ત થયો હતો. બાંધકામની મંજૂરીઓમાં વિલંબથી અઢી વર્ષથી બાંધકામ ઉદ્યોગને અસર થતી હોવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. કોર્પોરેટર ભૂપતભાઈ જારીયાએ છેલ્લા પાંચ મહિનામાં અપાયેલી મંજૂરીઓ અંગે સવાલો કર્યા હતા. મનપાની 107 જેટલી ઇમારતોમાંથી મોટાભાગની ઇમારતોમાં સીસીટીવી ન હોવાની વિગતો પણ સામે આવી હતી. મનપાનાં 66 વાહનોમાંથી માત્ર ચાર વાહનોમાં જ જીપીએસ સિસ્ટમ લગાવાઈ હોવાનું જણાવાયું હતું. અત્યાર સુધીમાં 1500 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત થયું હોવા છતાં તેના નિકાલનો પ્રશ્ન પણ ચર્ચાયો હતો. કેયુર પંડ્યાએ વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા અને તેના ભાવ અંગે સવાલ કરતાં પંચાસર રોડ પરના નીલકંઠ પેટ્રોલ પંપની વિગતો આપવામાં આવી હતી. છ કોર્પોરેટરોએ 14થી વધુ પ્રશ્નો ઉઠાવ્યા છતાં અધિકારીઓના જવાબોથી અસંતોષ જોવા મળ્યો હતો.

ગરબી ચોકમાં લાઈટનો અભાવ, રસ્તાઓની હાલત કથળી

નવરાત્રી દરમિયાન એક પણ ગરબી ચોક લાઈટ વગરનો ન રહે તેવો સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયો હોવા છતાં અનેક વિસ્તારોમાં લાઈટોનો અભાવ હોવાની ફરિયાદો ઉઠી હતી. કોર્પોરેટરોએ લાઈટની કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. અધિકારીઓ ફોનનો યોગ્ય જવાબ આપતા ન હોવાની રજૂઆત પણ થઈ હતી. બીજી તરફ, ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી બાદ રસ્તાઓનું યોગ્ય પેચવર્ક ન થતાં ખાડા અને ધૂળની સમસ્યા વધી છે. આ મુદ્દે તાત્કાલિક કામગીરી કરવાની માંગ સાથે કોર્પોરેટરોએ વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

107 ઇમારતોમાં સીસીટીવીનો અભાવ, 66માંથી માત્ર ચાર વાહનોમાં જીપીએસ

મનપા હસ્તકની 107 જેટલી ઇમારતોમાંથી મોટાભાગની ઇમારતોમાં સીસીટીવી ન હોવાનું ભૂપતભાઈ જારીયાના પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું. અધિકારીએ સીસીટીવી લગાવવાની કામગીરી ચાલુ હોવાનું કહ્યું હતું. મનપાનાં કુલ 66 વાહનોમાંથી માત્ર ચાર વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવાઈ છે. પરિણામે અન્ય વાહનોની અવરજવર અને કામગીરીનું ટ્રેકિંગ થતું ન હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. તમામ વાહનોમાં જીપીએસ લગાવી પારદર્શિતા જાળવવા અને દુરુપયોગ અટકાવવાની માંગ કરવામાં આવી હતી.

1500 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત, પણ નિકાલ બાકી

પર્યાવરણની જાળવણી માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ મનપા બન્યા બાદ જપ્ત થયેલા 1500 કિલોથી વધુ પ્લાસ્ટિકનો નિકાલ થયો ન હોવાનું સભામાં જણાવાયું હતું. ડેપ્યુટી કમિશનર સોનીએ સરકાર દ્વારા નિકાલ માટે એજન્સીઓની નિમણૂક કરાઈ હોવાનું જણાવી હવે નિકાલ થઈ જશે તેમ કહ્યું હતું. વાહનોમાં ઇંધણ ભરાવવા અંગે કેયુર પંડ્યાના પ્રશ્નના જવાબમાં પંચાસર રોડ પરના નીલકંઠ પેટ્રોલ પંપનું નામ જણાવાયું હતું. સેનિટેશન વિભાગનું દર મહિને આશરે રૂ. 10 લાખ અને વર્કશોપનું રૂ. 35 હજારનું બિલ આવતું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ટેન્ડર મુજબ બજારભાવ કરતાં પ્રતિ લિટર રૂ. 1 ઓછા ભાવે ઇંધણ મળતું હોવાનું પણ સ્પષ્ટ કરાયું હતું.

મોરબી મનપાની સભામાં નામકરણના બે એજન્ડા વચ્ચે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને હોબાળો
મોરબી મનપાની સભામાં નામકરણના બે એજન્ડા વચ્ચે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને હોબાળો
મોરબી મનપાની સભામાં નામકરણના બે એજન્ડા વચ્ચે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને હોબાળો