હળવદ: હળવદ કા રાજા ગણપતિ પંડાલ દ્વારા આયોજિત સાર્વજનિક ગણપતિ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત આજે આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગણપતિ બાપાની આરાધના સાથે માનવસેવાના ઉમદા સંકલ્પને સાકાર કરતા યોજાયેલા આ કેમ્પમાં કુલ ૨૭૫ દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો, કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નવલભાઈ શુક્લ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, આ મહોત્સવ સમિતિના સંયોજક વિપુલભાઈ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઇ હતી ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે કેમ્પમાં સારવાર માટે આવેલા દરેક દર્દી નારાયણને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તથા તેમના જીવનમાં આરોગ્ય અને સુખ-શાંતિ જળવાઈ રહે, કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ, તબીબી સલાહ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિઃશુલ્ક કન્સલ્ટેશન, X-Ray તથા જરૂરિયાત મુજબ દવાઓ સહિતની સેવાઓનો લાભ ૨૭૫ દર્દીઓએ લીધો હતો.
આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે આયોજક ટીમના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી દર્દીઓની નોંધણી, વ્યવસ્થા, માર્ગદર્શન સહિતની વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી, કેમ્પ દરમિયાન સેવા આપવા આવેલા તબીબો તથા સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા જીતુભાઈ એરવાડિયા દ્વારા કરવામાં આવી હતી. તેમની આ સેવાભાવનાને આયોજકો દ્વારા અભિનંદન સાથે બિરદાવવામાં આવી હતી, હળવદ કા રાજા ગણપતિ મહોત્સવ માત્ર ભક્તિ અને આસ્થાનું પર્વ નહીં, પરંતુ “સેવા પરમો ધર્મઃ”ના ભાવ સાથે સમાજસેવાનું માધ્યમ બની રહ્યો છે. ૨૭૫ દર્દીઓને મળેલી નિઃશુલ્ક આરોગ્ય સેવા આ સેવાભાવનાનું જીવંત ઉદાહરણ બની છે.