Sunday - Jun 28, 2026

હળવદમાં 45 હજારના વ્યાજ સહિત 70 હજાર આપવા છતાં ઘર પચાવી પાડવા પઠાણી ઉઘરાણી

હળવદમાં 45 હજારના વ્યાજ સહિત 70 હજાર આપવા છતાં ઘર પચાવી પાડવા પઠાણી ઉઘરાણી

મોરબી જિલ્લામાં વ્યાજખોરોએ ફરી માથું ઊંચક્યું છે અને હળવદ શહેરમાં વ્યાજખોરીની બદી વ્યાપક પ્રમાણમાં ફૂલી ફાલી હોય તેમ વ્યાજખોરે 15 ટકા વ્યાજે નાણા આપી બાદમાં 70 હજારની વસુલાત કરવા છતાં પરિણીતાના પતિને જાનથી મારી નાખવા ધમકી આપી ઘર પચાવી પાડવા તેમજ ચેક રિટર્ન કરાવી જેલમાં મોકલી આપવા ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

હળવદમાં ટીકર રેલવે નાલા પાસે રહેતા દક્ષાબેન સુરેશભાઈ કુરિયા ઉ.34 નામના મહિલાએ વ્યાજખોર બટુક બાબુભાઇ કાંકરેચા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પતિએ આરોપી બટુક પાસેથી રૂપિયા 45 હજાર મહિને 15 ટકા વ્યાજે લીધા બાદ આરોપી બટુકે બળજબરીથી સેન્ટ્રલ બેંકના કોરા ચેક પડાવી વ્યાજ સહિત રૂપિયા 70 હજાર વસુલ કરી લેવા છતાં પણ ઘર પડાવી લેવા તેમજ ચેક રિટર્ન કરાવી તેણીના પતિ સુરેશભાઈને જેલમાં મોકલી આપવા ધમકી આપી વધુ રૂપિયા નહિ આપે તો સુરેશભાઈને જાનથી મારી નાખવાની બટુકે ધમકી આપતા ઘટના અંગે દક્ષાબેને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે નાણાં ધીરધારની કલમો તેમજ બીએનએસ એકટ મુજબ વ્યાજખોર બટુક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.