અનેક રજુઆત છતાં રસ્તા,આંગણવાડી, કોમ્યુનિટી હોલ સહિત પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અટકેલા હોવાથી લોકોને ભારે હાલાકી
મોરબી : મોરબીના સામાકાંઠે એટલે વોર્ડ નંબર 4માં આવેલ સોઓરડી સહિતના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વિકાસ કામો અધ્ધરતાલ છે. મોટાભાગે શ્રમજીવી ગણાતા આ વિસ્તારોમાં આંતરિક રોડ રસ્તાની ખરાબ, હાલત, સફાઈને અભાવે ઉભરાતી ગટર, નિયમિત સફાઈના અભાવે કચરાના ગંજ સહિતના પ્રશ્નો ઘણા સમયથી અટકેલા હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમાંય સોઓરડી અંદરનો મેઈન રોડને ઘણા વર્ષો પછી સીસીરોડથી મજબૂત બનાવ્યો હોય પણ ઠેક ઠેકાણે બમ્પ તેમજ કોઈને કોઈ કામ માટે વારંવાર ખોદકામ કરાતું હોવાથી આ રોડની હાલત ખૂબ જ નાજુક થઈ ગઈ છે.
મોરબીના વોર્ડ નં. 4માં અધૂરા પ્રજાકીય કામો ચાલુ કરવા અંગે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા અને જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે, મોરબીના સામાકાંઠે આવેલા વોર્ડ નં. 4 (નવો વોર્ડ નં. 5)માં બાકી રહેલા કામો તાત્કાલિક ચાલુ કરવા માટે અનેક વખત રજૂઆતો કરી છે. છતાં આ પ્રાણ.પ્રશ્નો ઘણા સમયથી લટકેલા છે. જેમાં રોડ રસ્તાના કામો ચાલુ કરવા, આંગણવાડી બનાવવા, કોમ્યુનિટી હોલ બનાવવા, સોઓરડીમાં બાલા હનુમાન મંદિર રોડના શેરીના ટુકડા બનાવી અથવા પોટરી શાળાથી અંબિકા ગરબી ચોક સુધી પેવર બ્લોક ફીટ કરવા, નવા વિસ્તારમાં સમાવિષ્ટ ભડીયાદ જવાહર સોસાયટી, જીવરાજ પાર્ક, બૌદ્ધનગર, રામદેવપીરનો ઢોરો આ તમામ નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ કરી છે.