ગાંધીનગર:- સમગ્ર રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલા બે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયા આજે ગાંધીનગરમાં વિધાનસભા બહાર ઓચિંતા એકબીજા સામે મોરે મોરો થયા. જેમાં આ ઓચિંતી મુલાકાતમાં બંને વચ્ચે વાતચીત પણ થઈ.
જેમાં આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મુખ્યમંત્રીની ઓફિસથી બહાર નીકળતા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સાથે તેઓની ઓચિંતી મુલાકાત થઈ હતી, આ વેળાએ સદભાવના વૃદ્ધાશ્રમના જયેશ ડોબરીયા તેમજ મિતલ ખેતાણી સહિતના સામાજિક આગેવાનો પણ ત્યાં હાજર હતા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ મુલાકાત વિશે કહ્યું કે સોશિયલ મીડિયા મારફતે મોરબીનો ગઈકાલનો આમ આદમીની પાર્ટીની સભાનો વિડિયો મેં જોયો હતો. મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં મોરબીના નાગરિકના પ્રશ્નકાળ દરમિયાન તે વેળાએ મોરબીના આમ આદમીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ મારી હતી, આવું અસભ્ય વર્તન આમ આદમીના કાર્યકર્તાએ ન કરવું જોઈએ, એ બાબતે ગોપાલ ઇટાલીયાને મેં વાત કરી હતી.
વધુમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે મારે જાહેર જીવનમાં એટલે કે રાજકારણમાં 30 વર્ષ થયા છે મને અનેકો રજૂઆત કરવા મોરબીના નાગરિકો આવે છે. પણ કોઈ પણ નાગરિક સાથે મેં આજ સુધી અસભ્ય વર્તન કરેલ નથી. તમારો હિસાબ મોરબીની પ્રજા જરૂર ચૂકવશે મોરબીને બદનામ કરવાનું ખોટી રીતે રહેવા દેજો.