કોન્ટ્રાક્ટરની ઘોર લાપરવાહીથી માર્ગ અને મકાન આકરાપાણીએ, કોન્ટ્રાક્ટરને જ સ્વખર્ચે મજબૂત પિલર ફરીથી બનાવી દેવાનો આદેશ આપ્યો
મોરબી : મોરબીના નટરાજ ફાટક ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના એક પિલરમાં ટેક્નિકલ ખામી સામે આવતા માર્ગ અને મકાન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ખામીયુક્ત પિલરને તોડી તેના સ્થાને નવો પિલર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કામગીરીનો તમામ ખર્ચ પણ સંબંધિત કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે જ કરવો પડશે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળની તપાસ દરમિયાન પિલરના નિર્માણમાં ક્ષતિ જણાતાં તેની ટેક્નિકલ ચકાસણી કરાવવામાં આવી હતી. તપાસમાં ગુણવત્તા સંબંધિત મુદ્દા સામે આવતા ખામીયુક્ત પિલરને યથાવત રાખવાના બદલે તેને તોડી નવો બનાવવાનો નિર્ણય લેવાયો છે. વિભાગનું માનવું છે કે જાહેર ઉપયોગમાં આવનારા બ્રિજના નિર્માણમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરી શકાય નહીં.
વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખામી સુધારવાની સમગ્ર જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે અને નવા પિયરનું નિર્માણ પણ તેના પોતાના ખર્ચે કરાવવાનું રહેશે. પિલર ફરીથી તૈયાર થયા બાદ જરૂરી ટેક્નિકલ ચકાસણી અને મંજૂરી મળ્યા પછી જ બ્રિજના આગળના તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે.