વાંકાનેર :- વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા એક શિક્ષકને ત્રણ નોટિસ આપી હોવા છતાં પણ એના દ્વારા કોઈ પ્રત્યુતર ન મળતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ છેલ્લું અલ્ટીમેટમ આપીને દસ દિવસની અંદર તેમને ખુલાસો કરવાના આદેશ જારી કર્યા છે.
મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની વાંકાનેર ની સરધારકા તાલુકા શાળામાં બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહેતા શિક્ષક ગાર્ગીબેન માંડણભાઈ દેસાઈને ત્રણ પારદર્શક નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી તેમના દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં ન આવતા, જેથી પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તેમને આખરી નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં શિક્ષકને દસ દિવસમાં પોતાની અનિયમિતતા અંગે રૂબરૂમાં ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. જો તેવો આમ કરવામાં ચૂકી જશે તો, શિક્ષક કંઈ પણ કહેવા માગતા નથી તેવું માનીને ગુજરાત રાજ્ય સેવા એટલે કે (સેવા અને અપીલ) ના નિયમો 1997 અને ગુજરાત રાજ્ય સેવા (વર્તણુક)ના નિયમો 1998 અનુસાર તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સેવાની સમાપ્તિ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જણાવાયું છે.