Saturday - May 16, 2026

મોરબીમાં 20 હજારની કમિશનની લાલચમાં ડોકટર ગુનેગાર બન્યાના કેસમાં વધુ એક ગિરફ્તાર

મોરબીમાં 20 હજારની કમિશનની લાલચમાં ડોકટર ગુનેગાર બન્યાના  કેસમાં વધુ એક ગિરફ્તાર

આયુર્વેદિક ડોક્ટર અમદાવાદથી જથ્થાબંધ આયુર્વેદિક દવાઓ લાવી મોરબીમાં વેંચતા હોય તેમના ખાતામાં રૂ.14.55 લાખના શંકાસ્પદ વ્યવહારો મળી આવતા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોટી કાર્યવાહી

મોરબી : ભારત સરકારના 'I4C' પોર્ટલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત મોરબી સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડ માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડમાં પોલીસે એક આયુર્વેદિક ડોક્ટર અને અન્ય એક શખ્સની ધરપકડ કરી છે. આ કેસમાં ઘણી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

મોરબીના ડીવાયએસપી વિશાલ દલવાડીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટના કુલ 13 ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2026ની આ 14મી FIR નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ નાણાકીય લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર છેતરપિંડીના નાણાં મેળવવા માટે કરવા દીધો હતો. આરોપી સુજલ સબ્બીરભાઈ ચામડિયા વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે. તેઓ અમદાવાદથી જથ્થાબંધ આયુર્વેદિક દવાઓ લાવી મોરબીમાં વેચાણ કરે છે. તેમના ખાતામાં રૂ.14.55 લાખના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા, જેમાંથી રૂ.7.60 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા હતા અને બાકીના રૂ.7 લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે. અકબરભાઈ ફકરુદ્દીન શેખ કે જેમના ખાતામાં રૂ.29 લાખના વ્યવહારો મળી આવ્યા હતા અને આ તમામ રકમ ઉપાડી લેવામાં આવી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે અમદાવાદના ચિરાગ નામના વ્યક્તિએ ડોક્ટર સુજલનો સંપર્ક કર્યો હતો. ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવા દેવા બદલ તેને રૂ.20,000ની લાલચ આપવામાં આવી હતી. આ ઉપરાંત બોટાદના મનોજ નામના અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે. જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ઉપરાંત અન્ય ત્રણ રાજ્યોમાં પણ ગુના નોંધાયેલા છે, જે દર્શાવે છે કે આ એક આંતરરાજ્ય સંગઠિત ગુનાખોરી છે. હાલ નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.