હળવદ : હળવદના બસ સ્ટેન્ડ પાછળ આવેલ કૃષિ શાળા રોડ (જાગનાથ સોસાયટી) પાસે બે પરિવારો વચ્ચે જૂની અદાવત અને મનદુઃખ બાબતે થયેલા સશસ્ત્ર ધીંગાણાએ લોહીયાળ વળાંક લીધો છે. આ મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈ મોહનભાઈ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ સમગ્ર બનાવ હવે હત્યામાં પલટાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૪ માર્ચના રોજ બપોરના સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામો હુમલો થયો હતો. જેમાં રતનબેન કાળુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, અગાઉની અદાવત રાખીને નટુભાઈ નાનજીભાઈ પરમાર, આશિષભાઈ નટુભાઈ પરમાર, રવિ નટુભાઈ પરમાર, દિપક નટુભાઈ પરમાર, હંસાબેન નટુભાઈ પરમાર અને લતાબેન શૈલેષભાઈ પરમારે ગેરકાયદેસર મંડળી રચી તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ હુમલામાં નટુભાઈએ કુહાડીથી રતનબેનના પતિ કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે અન્ય આરોપીઓએ તેમને ઢસડીને બહાર લાવી ધોકા અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. કુહાડી અને પાઇપના ઘા વાગવાથી થયેલી આ ગંભીર ઈજાઓને કારણે કાળુભાઈ પરમારનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
જ્યારે સામા પક્ષે નટવરભાઈ નાનજીભાઈ પરમારે પણ જયેશ કાળુભાઈ પરમાર, કાળુભાઈ મોહનભાઈ પરમાર (હાલ મૃતક) અને રતનબેન કાળુભાઈ પરમાર સામે પથ્થરમારો કરી, ધોકાથી માર મારી અને ૮,૦૦૦ રૂપિયાનું મોટરસાઇકલ સળગાવી દેવા અંગે વળતી ફરિયાદ નોંધાવી હતી. કાળુભાઈ પરમારના મૃત્યુને પગલે હળવદ પોલીસે રતનબેનની ફરિયાદના આધારે અગાઉ નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની હત્યાની કલમોનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે. હત્યાના આ બનાવને પગલે હળવદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.