વાંકાનેર પંથકમાં રખડતાં ઢોરના ત્રાસ અને વારંવાર આખલા યુદ્ધથી વાહન વ્યવહાર ખોરવાઈ જતો હોય તેમજ આખલાઓની લડાઈમાં અનેક વખત લોકો અગાઉ ઇજાગ્રસ્ત થતા હોવા છતાં તંત્રએ લોકોની સલામતી માટે કોઈ કાર્યવાહી ન કરતા તંત્રના પાપે ગતરાત્રે બુલેટ સાથે આખલાની ટક્કરથી એકનો જીવ ગયો છે. તેમજ બીજાને ગંભીર ઇજા પહોંચી છે. આખલાઓએ એકનો ભોગ લીધા બાદ તંત્ર હવે જાગશે કે કેમ ? તે જોવું રહ્યું.
વાંકાનેર શહેર નજીક લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે નેશનલ હાઇવે પર રવિવારે રાત્રિના નવ વાગ્યાની આસપાસ પસાર થતાં બે મિત્રોના ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ બાઇકનો કચ્ચરઘાણ વળી જતાં બાઇક સવાર 15 વર્ષીય હસન બસીરભાઈ ખલીફા (રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર)ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે આ અકસ્માતના બનાવમાં અન્ય ઇજાગ્રસ્ત અવેશ સિકંદરભાઈ સબા (ઉ.વ. 15, રહે. ગુલશન પાર્ક, ચંદ્રપુર, વાંકાનેર) ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે