Wednesday - Nov 05, 2025

ટંકારા નજીક ડમ્પરે બાઇકની સાઈડ કાપવા જતા રોજડું આડું ઉતરતા એકનું મોત

ટંકારા નજીક ડમ્પરે બાઇકની સાઈડ કાપવા જતા રોજડું આડું ઉતરતા એકનું મોત

મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ખજૂરા હોટલ પાસે ગઈકાલે રાત્રીના સમયે ડમ્પર ચાલક મોટર સાયકલની સાઈડ કાપવા જતા રોડ ઉપર રોજડું આડું ઉતરતા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા એક વ્યક્તિનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવમાં બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી. જો કે, અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ટ્રક ચાલક નાસી ગયો હતો.

રાજકોટ - મોરબી હાઈવે પર ગઇકાલે રાત્રીના સમયે એમપી - 69 - ઝેડએ - 3380 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં મોરબીના મકનસર ગામે રહેતા ફરિયાદી અંતરસિંગ મગનસિંગ ચૌહાણ અને છગનભાઇ ગણપતભાઈ કનેશ ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે પહોંચતા ડમ્પર ટ્રક નંબર જીજે - 13 - એડબ્લ્યુ - 9789ના ચાલકે બાઇકની સાઈડ કાપવા પોતાનું ડમ્પર આગળ ચલાવ્યું હતું.બરાબર આજ સમયે રોડ ઉપર રોજડું આડું ઉતરતા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક અંતરસિંગ ફંગોળાઈ જતા હાથ અને પગમાં ઇજાઓ પહોંચી હતી. જ્યારે પાછળ બેઠેલા છગનભાઇ ડમ્પરના જોટામાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો.ઘટના અંગે ટંકારા પોલીસે અંતરસિંગની ફરિયાદના આધારે ડમ્પર ટ્રક ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.