દેશી દારૂના વેપલા અને ખુલ્લેઆમ પીવા માટે કુખ્યાત માળીયા વનાળિયા વિસ્તારમાં ઘટનાનો વિડીયો વાયરલ
મોરબી : મોરબીમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાના ગંભીર આરોપોને સમર્થન આપતા દેશી દારૂના ખુલ્લેઆમ વેપલા અને દારૂ પીને તોફાન કરતા દારૂડિયાના ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ થયાની વચ્ચે આજે તો વેપારીની હત્યાથી મોરબી જાણે ક્રાઈમ નગરી બની હોય એ રીતે કાયદો વ્યવસ્થામાં ઢીલ દાખવનાર પોલીસ પર ફિટકારની આંધી ઉઠી હતી. ત્યારે અધૂરામાં પૂરું આજે સાંજે દારૂબંધીના ફરી એકવાર લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવતા પોલીસના અસ્તિત્વ સામે મોટો પડકાર ઉભો થયો છે. જેમાં મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા અને ખાસ તો દેશીના વેપલા માટે કુખ્યાત બનેલા માળીયા વનાળિયા વિસ્તારમાં એક શખ્સ દારૂ ઢીચીને તોફાન કરતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વહેતો થતા ભારે ચકચાર મચી ગઇ છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એ શખ્સ દારૂના નશામાં રીતસર આંતક મચાવી રહ્યો છે. જેમાં શેરીના એક મકાનની બહાર વંડી ઉપર ગોઠવેલા નળીયા કાઢી કાઢીને એક પછી એક નળીયા જોરદાર રીતે ઘરની અંદર ફેંકે છે. આ નળીયા બહુ જ વજનદાર હોય અને એ ઘરમાં ફેકવાથી કોઈને લાગે તો મોટી ઇજા થાય એમ હોવા છતાં આ શખ્સ દારૂના નશામાં એટલો ચકચૂર હતો કે, તેણે કોઈની સલામતીની ફિકર કર્યા વગર નળીયા ફેકયે જ જતો હતો. આ દરમિયાન એ ઘરમાંથી એક ભાઈ તેને અટકાવવાની કોશિશ કરે છે. પણ એનાથી વધુ ઉશ્કેરાયેઈને બમણા જોશથી નળીયા ફેકતો હોય અંતે એ ભાઈ જ એનું બાવડું પકડીને ઘરમાં લઇ જતા હોવાનું વિડીયાના અંતમાં દેખાય છે. આથી આ શખ્સ એ જ ઘરમાં રહેતો હોય અને કોઈ મુદ્દે ડખ્ખો થયા બાદ દારૂ પીને આ રીતે ખાર ઉતારી રહ્યો હોવાનું લાગે છે. જો કે આ વિસ્તારમાં વર્ષોથી દારૂનું પીઠું હોય અને પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતું હોવાના અનેક આક્ષેપ બાદ હવે આ ગંભીર ઘટનાથી પોલીસ એક્શન લેશે કે કેમ તે સવાલ ઉઠ્યો છે.