Tuesday - Apr 21, 2026

મોરબીમાં રવિવારે રબારી સમાજની 42 દીકરીઓ સંસારની કેડીએ ડગ માંડશે

મોરબીમાં રવિવારે રબારી સમાજની 42 દીકરીઓ સંસારની કેડીએ ડગ માંડશે

રબારી સમાજ આજના ડિજિટલ યુગમાં પણ ધરતી માતાના ખોળે સીધો નાતો ધરાવતો હોવાથી ઊંટ - બળદગાડા - ઘોડા, રાસની રંગત સાથે નીકળશે ભવ્ય સામૈયુ, રબારી સમાજ જુના જમાનાની લગ્ન પ્રથાને બનાવશે જીવંત

મોરબી : મોરબીના મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન વડવાળા યુવા સંગઠન દ્વારા આગામી તા.25મેને રવિવારના રોજ લીલાપર- કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરાયું છે.આ સમૂહ લગ્નોત્સવમાં રબારી સમાજની 42 દીકરીઓના તમામ કોડ પુરા કરીને ઠાઠમાઠથી લગ્ન કરાવી સાસરે વળાવવામાં આવશે.

રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ સહિત રાજ્યભરમાંથી 15 હજારથી વધુ મહેમાનો હાજરી આપશે. આ અવસરે અધ્યક્ષસ્થાને વડવાળા મંદિર- દુધરેજના મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ ગુરૂ કલ્યાણદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે  રવાપર રોડ ખાતેથી લગ્ન સ્થળ સુધી ભવ્ય સામૈયુ યોજાશે. જેમાં ઊંટ, બળદ ગાડા, ઘોડા અને પરંપરાગત વસ્ત્રો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈને હુડો, ટીટોડો, રાસ ગરબા રજૂ કરશે.સામૈયામાં નાસિક ઢોલ, રાસમંડળી, લાકડી દાવના પ્રયોગો પ્રસ્તુત કરાશે. સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવાશે. બાદમાં બપોરે 3 વાગ્યે ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે જાન આગમન થશે. અહીં ભવ્ય એસી  ડોમ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

સમુહલગ્નમાં દીકરીઓની ભવ્ય એન્ટ્રીથી લઈ સંગીત કાર્યક્રમ જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા છે. આ પ્રસંગમાં 2500થી વધુ સ્વયમ સેવકોની ફોજ ખડેપગે રહેશે. આ સમૂહલગ્નમાં જે દીકરા અને દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે તે તમામના ગામમાં લગ્નના આગલા દિવસે એટલે કે તા.24ના રોજ વડવાળા યુવા સંગઠન દ્વારા 100-100 વૃક્ષનું વાવેતર કરવામાં આવશે અને તે વૃક્ષને ઉછેરવાની જવાબદારી જે તે પરિવાર નિભાવશે. લગ્નમાં આવનાર દરેક મહેમાનોને બોન્સાઇ વડની ભેટ અપાશે. સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબીબોની ટિમ સેવા આપવાની છે. આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે. રાત્રે સંગીત કાર્યક્રમ, અનેક નામી કલાકારો સુરો રેલવાશે