સ્લમ રહેવાસીઓની સચોટ માહિતી એકત્ર કરીને તેમની વસવાટની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરાશે
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા સૌને માટે આવાસના હેતુને સિદ્ધ કરવા માટે હાલના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં સામાજિક આર્થિક સ્થિતિનું સર્વેક્ષણનું કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં સ્લમ રહેવાસીઓની સચોટ માહિતી એકત્ર કરીને તેમની વસવાટની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરી પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)2.0 ના ઘટક હેઠળ સસ્તા અને સુવિધાયુક્ત આવાસોનું નવનિર્માણ કરાશે અને આ પ્રોજેક્ટથી સ્લમ વિસ્તાર અને ઘર-વિહોણા લોકો માટે સુરક્ષિત, સ્વચ્છ, સુવિધાઓ અને સગવડયુક્ત આવાસનું નિર્માણ કરીને તેમના ઘરનું ઘર બનાવવાના સ્વપ્નને સાકાર કરાશે
સર્વે દરમિયાન સ્લમ વિસ્તારના રહેવાસીઓનો સંપૂર્ણ સહકારથી તેમની આવાસ માટેની જરૂરીયાતોનું મૂલ્યાંકન કરાશે. જેમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત થયેલી એજન્સીના સર્વેયર દ્વારા સલ્મ વિસ્તારના રહેવાસીઓના નામ અને પરિવારની વિગતો, રહેઠાણના હાલની માહિતી અને પુરાવા, ઓળખના પુરાવા, આવાસની જરૂરિયાત તથા વસવાટની સ્થિતિની માહિતી એકત્રિત કરવામાં આવશે. આ સર્વે સંપૂર્ણપણે માત્ર માહિતી એકત્રિત કરવા માટે છે. કોઈપણ વ્યક્તિને આ સર્વે દરમિયાન ઘર છોડવાની, સ્થળાંતર કરવાની કે કોઈપણ અન્ય કરજિયાત કાર્યવાહી કરવાની કોઈ આવશ્યકતા નથી. જેથી સર્વે ટીમને સત્ય અને સંપૂર્ણ માહિતી આપવા, મોરબી મહાનગરપાલિકાના તમામ સ્લમ રહેવાસીઓને મોરબી શહેરના વિકાસ અને "સૌને માટે આવાસ" ના રાષ્ટ્રિય લક્ષ્યને સાચા અર્થમાં સાર્થક કરવા માટે સ્લમ વિસ્તારોનું સર્વેક્ષણ કાર્યમાં પુર્ણ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં સ્લમ વિસ્તારના નાગરિકોના સર્વેક્ષણ લક્ષી પ્રશ્ન અથવા માર્ગદર્શન માટે મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરવા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે.