ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતી હોવાથી કમિશનરે પ્રતિબંધ મૂક્યો, કામદારો હવે રોજગારી માટે જેલ રોડ પર આવેલા હોકર્સ ઝોન પાસે ઉભા રહી શકશે
મોરબી : મોરબી મનપા કચેરીની સામે જાહેર રોડ ઉપર વર્ષોથી ભરાતી કડીયા બજાર ઉપર હવે મ્યુનિ. કમિશનરે બ્રેક લગાવી છે. અહીં કામદારો રોજગારી માટે મોટી સંખ્યામાં ઉભા રહેવાને કારણે ભીડભાડવાળા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય જતી હોય રોજેરોજ વાહન ચાલકોને ભોગવવી પડતી મુસીબતોને ધ્યાને લઈને મ્યુનિ. કમિશનરે મનપા કચેરી સામે કામદારોને ઉભા રહેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ રોજગારીને ધ્યાને લઈને કામદારોને જેલ રોડ પર આવેલા હોકર્સ ઝોન પાસે ઉભા રહેવાની છૂટ આપી છે.
મોરબીની મહાપાલિકા કચેરી સામે શહીદ ભગતસિંહનું સર્કલ આવેલું હોય અને આ ત્રિકોણ ભાગ વર્ષોથી ગાંધીચોક તરીકે ઓળખાતો હોય અહીંથી રવાપર રોડ અને શનાળા રોડ ફંટાતો હોય આ મુખ્યમાર્ગ પર હજારો વાહનો નીકળતા હોવાને કારણે પહેલેથી ટ્રાફિકજામ સર્જાઈ છે. આ મહાપાલિકા કચેરી સામે ગાંધીચોકમાં જાહેર રોડ પર વર્ષોથી મોટી સંખ્યામાં કામદારો ઉભા રહેતા હોવાને કારણે વણલખી કડીયા બજાર તરીકે ઓળખાય છે. દરરોજ વહેલી સવારે ઉભા રહેતા મજૂરો ટોપલાને શહેરની આલગ અલગ ચાલતી બાંધકામ સાઇટ ઉપર કામ કરાવવા માટે કોન્ટ્રાક્ટરો લઈ જતા હોય દરરોજ કામદારો કામે જવા માટે 9 કે 10 વાગ્યા સુધી ઉભા રહેતા હોવાથી ભારે ટ્રાફિકજામ થતો હોવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પ્રવેશદ્વાર નજીક દૈનિક રોજગારી માટે કોઈપણ વ્યક્તિ કે કામદારોને ઊભા રહેવા અથવા એકત્ર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુક્યો છે. કામદારોની રોજગારની જરૂરિયાત જળવાઈ રહે તે માટે મનપાએ વૈકલ્પિક વ્યવસ્થારૂપે કામદારોને મોરબી શહેરના જેલ રોડ હોકર્સ ઝોન, જેલ ચોક નજીક ઊભા રહેવાની મંજૂરી આપી છે.