મોરબી : ગુજરાત રાજ્યના વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં માળિયા મિયાણા તાલુકા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની રજૂઆતો અને જરૂરિયાતને ધ્યાને રાખીને સરકાર દ્વારા માળિયા ખાતે અધ્યતન 'મહેસૂલ ભવન' બનાવવાની મંજૂરી અપાઈ છે.
આ અંગે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇકબાલ સુભાન સંધવાણીએ જણાવ્યું હતું કે, માળિયા તાલુકો ભૌગોલિક રીતે મોટો અને રણકાંઠાનો વિસ્તાર ધરાવે છે. અહીંના લોકોને મામલતદાર કચેરી કે જમીન સંપાદનને લગતા કામો માટે અલગ-અલગ જગ્યાએ ભટકવું પડતું હતું. નવું ભવન બનવાથી મામલતદાર ઓફિસ, સબ-રજિસ્ટ્રાર ઓફિસ અને ઈ-ધરા કેન્દ્રો એક જ સ્થળે કાર્યરત થશે, જેનાથી વહીવટી પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર પર લગામ આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, માળિયાના ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો માટે આ એક રાહતના સમાચાર છે. આ પ્રોજેક્ટનું કામ સમયસર પૂર્ણ થાય અને સ્થાનિકોને તેનો લાભ મળે તે માટે યુવા કોંગ્રેસ હંમેશા જનતાની પડખે રહેશે.