Sunday - Jul 12, 2026

લાપરવાહી : મોરબીમાં આર્મીની બે ટેન્કની ઘોર અવદશા

લાપરવાહી : મોરબીમાં આર્મીની બે ટેન્કની ઘોર અવદશા

1963થી 65 દરમ્યાન એલઇ કોલેજના વિદ્યાર્થીઓને શીખવા માટે આપેલી આર્મીને બે ટેન્ક 1975થી ઉપયોગ બંધ થઈ જતા પડી પડી સડી ગઈ

(રવિ બરાસરા) મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર કેટલી હદે નાકામ અને બેજવાબદાર છે, તેનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. જેમાં દુશ્મન દેશના દાંત ખાટા કરી નાખનાર દેશની આર્મીની બે ટેન્ક યુદ્ધમાં વપરાયા બાદ બીજી વખત યુદ્ધમાં ઉપયોગ લઈ શકાય એમ ન હોવાથી આર્મીની મહત્વની બે ટેન્ક 55 વર્ષ પહેલાં મોરબીના એલઇ કોલેજના વિદ્યાર્થીઓને ટેક્નિકલ જ્ઞાન આપવા માટે મોરબી એનસીસી બટાલિયનને ફાળવવામાં આવી હતી. યુદ્ધ વખતની આ બન્ને ટેન્કને મોરબીને આપવામાં આવી હોવાથી મોરબી માટે આ વાત ખૂબ જ ગૌરવની છે. પણ દુર્ભાગ્યવશ સંબધિત તંત્ર આર્મીની બે ટેન્કની યોગ્ય જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ ગયું હતું. આથી આ બન્ને ટેન્ક પડી પડી સડી ગઈ છે. જો કે પહેલા તો જિલ્લા વહીવટી તંત્રએ આ ઐતિહાસિક વિરાસતનું જતન કરવામાં તેનો કોઈ રોલ ન હોવાનું કહી હાથ અધ્ધર કરી નાખ્યા હતા. પણ રહી રહીને જવાબદારીનું ભાન થતા વહીવટી તંત્રએ રાજકોટ એનસીસી ગ્રુપ કમાન્ડટ વિભાગને પત્ર લખી ટેન્કનું જતન કરવા જાણ કરશે તેવું જણાવીને પોતે તમામ જવાબદારી નિભાવશે તેવો લુલો બચાવ કર્યો છે.

લાપરવાહી : મોરબીમાં આર્મીની બે ટેન્કની ઘોર અવદશા

મોરબીનું વહીવટી તંત્ર ઐતિહાસિક વારસાને હેરિટેજ તરીકે વિકસાવવામાં ભારે ઉદાસીન રહ્યું છે. ખાસ કરીને ભારત દેશના અન્ય દેશ સાથેના યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલી આર્મીની ટેન્કની જાળવણી કરી ન શકતા આ ટેન્કની ઘોર દુર્દશા થઈ ગઈ છે. વર્ષ 1963થી 65 દરમિયાન આર્મી દ્વારા યુદ્ધમાં ઉપયોગમાં લેવાયા બાદ  ક્ષતિગ્રસ્ત થઈ જવાથી બીજી વખત ઉપયોગમાં આવી શકે એમ ન હોય પણ ઇજનેરી વિધાશાખાના વિદ્યાર્થીઓને ટેક્નિકલ નોલેજ આપવા માટે મહત્વની હોવાથી બે ટેન્કને મોરબી એનસીસી બટાલિયનને આપવામાં આવી હતી. આર્મીની બે ટેન્કને મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલી જૂની એનસીસી બટાલિયન કચેરીના ગ્રાઉન્ડમાં રાખવામાં આવી હતી અને મોરબીની લખધીરજી એન્જીનીયરિંગ કોલેજમાં અભ્યાસ કરવા આવતા અનેક વિદ્યાર્થીઓને એનસીસીની સઘન તાલીમ અને ટેન્કનું સમગ્ર જ્ઞાન આપવામાં આવતું પણ 1975ની આસપાસ મોરબીનો કાર્યરત 36- એનસીસી બટાલિયન વિભાગ અચાનક જ બંધ કરીને તેનો જામનગર 26- બટાલિયનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મોરબીમાં તે વખતે એનસીસી વિભાગ યોગ્ય રીતે ચાલતો હોવા છતાં રૂક જાવનો આદેશ આવતા મોરબી એનસીસી કંપાઉન્ડમાં રહેલી આર્મીની બે ટેન્કનો ઉપયોગ ઘટી જતાં વળતા પાણી શરૂ થયા હતા. હવે તો એનસીસી વિભાગ સાવ મૃતપાય બની જતા આ બન્ને ટેન્કની ઉકરડા જેવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. કોઈને પણ ખબર પડે એમ નથી કે, દેશના રક્ષણ માટે મહત્વની એવી બે ટેન્ક મોરબીને ભૂતકાળમાં મળી હતી !  આર્મીની બે ટેન્કનું જતન કરવાનું તંત્રને તો ઠીક સામાજિક કાર્યકરો કે કહેવાતા નેતાઓને પણ સૂઝતું નથી. અત્યારે જે રીતે મજબૂત રહેલી ટેન્ક ભંગાર બની રહી હોય તે જોતા તેનું ભાવિ ડામાડોળ લાગી રહ્યું છે.

ટેન્કનું જતન કરવા  રાજકોટ એનસીસી વિભાગને જાણ કરાશે

ભૂતકાળમાં આર્મીની બે ટેન્કને મોરબીને આપવામાં આવી અને હવે તેની દરકાર કરાતી ન હોવાથી ભંગાર બની ગઈ હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે ઉંડાણ પૂર્વક તપાસ કરતા માલુમ પડ્યું હતું કે,ગ્રુપ કમાન્ડર એનસીસી હેડ ક્વાર્ટરની માલિકીની આ વસ્તુ છે. ડી એચ. કોલેજ રાજકોટ ખાતે તેઓ બેસે છે. તેઓ સાથે આ બાબતે ચર્ચા થઈ છે.આથી હવે તેઓને મોરબી જિલ્લા વહીવટી તંત્ર ટેલિફોનિક અને પત્ર લખીને આ બાબતની જાણ કરશે અને આ ટેન્કની યોગ્ય વ્યવસ્થા કરવાનું કહેવામાં આવશે. દેશના રક્ષણ માટે મહત્વની એવી આ બન્ને ટેન્કનું જતન કરવામાં જિલ્લા વહીવટી તંત્રને જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરશે.

જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી

ફરી એનસીસી બટાલિયન શરૂ કરવું હિતાવહ છે

1975 પહેલા મોરબીમાં એનસીસી બટાલિયન હતું.એ બતાવે છે કે ત્યારે પણ એનસીસીની જરૂરિયાત હતી. હવે તો એના કરતાં પણ વધુ જરૂરિયાત છે. કારણ કે મોરબી જિલ્લો બની ગયો છે. આમ પણ સરકારે દરેક જિલ્લા કક્ષાએ એનસીસી બટાલિયનને ફરજિયાત બનાવ્યું છે. જો કે, જામનગર સાથે એનસીસી જોઈન્ટ થયા બાદ પણ મારા ફરજ કાળ દરમિયાન એનસીસી કમાન્ડર તરીકે મોરબીના અનેક વિદ્યાર્થીઓને વર્ષોવર્ષ એનસીસીની તાલીમ આપી જામનગર મોકલ્યા અને તેમના ઘણા લશ્કરી, અર્ધ લશ્કરી પોલીસ દળમાં જોડાયા છે. હું ખૂબ કડક અને શિસ્તપ્રિય રહ્યો છે. એનસીસીમાં અનુશાસન મહત્વનું હોવાથી કોઈ તાલીમ એક સેકન્ડ પણ લેટ પડે તો એને કાઢી મુકતો.આ એનસીસીની તાલીમની સાથે ત્યારે આ બે ટેન્કનું પણ જ્ઞાન આપવામાં આવતું પણ કમનસીબે એનસીસી બંધ પડતા હવે ટેન્ક ધૂળ ખાઈ રહી છે. મોરબીમાં કોઈને કઈ પડી જ નથી. હવે જિલ્લો બન્યો, મોટા નેતાઓ, ઉંચા ગજાના અધિકારીઓ હોવા છતાં આ દિશામાં કોઈ કાર્યવાહી કરતા જ નથી. તે મોરબીના હિતમાં દુખદ બાબત છે.

નિવૃત એનસીસી કમાન્ડર એમ.જે.મારુતિ

લોકો ટેન્કને નિહાળી શકે તેવું આયોજન કરવું જોઈએ

ભૂતકાળમાં જે થવાનું હતું એ થઈ ગયું આથી હવે કોઈના ઉપર દોષારોપણ કરવાનો કોઈ અર્થ નથી. ભારત દેશની આર્મીની આ 55 વર્ષ જૂની બે ટેન્ક ભંગાર ભલે બની ગઈ પણ સંબધિત તંત્ર ઈચ્છે તો હજુ પણ તેનું મૂળ સ્વરૂપમાં જતન થઈ શકે એમ છે અને ફરીથી વિદ્યાર્થીઓ પણ એનું નોલેજ મેળવી શકશે તેમજ આમ પ્રજા પણ આ ટેન્ક નિહાળી શકે તેવું આયોજન કરવું જરૂરી છે.

જાગૃત નાગરિક અલ્પેશ ઓડિયા