Friday - May 01, 2026

મોરબીના આમરણ નજીક પોલીસે દિલધડક ઢબે દારૂ ભરેલી કાર પકડી

મોરબીના આમરણ નજીક પોલીસે દિલધડક ઢબે દારૂ ભરેલી કાર પકડી

પોલીસે ગાડીનો પીછો કરતા ગાડીને અકસ્માત નડતા કાર ચાલક ફરાર

મોરબી : મોરબી શહેર જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ વિદેશી દારૂની હેરફેર ઉપર લાગેલી બ્રેક ફરી હળવી બની હોય તેમ છેલ્લા બે દિવસમાં ઉપરા છાપરી વિદેશી દારૂ ઝડપાઇ રહયા છે. ગઈકાલે મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે કારનો પીછો કરી આમરણ નજીકથી 186 નાની મોટી બોટલ સાથેની કારને ઝડપી લઈ નાસી ગયેલા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા પોલીસ ટીમને પીપળીયા ચાર રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કાળા કલરની આઈ ટવેન્ટી કાર નંબર જીજે - 01 - કેએચ - 0302મા વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને ઉપરોક્ત વર્ણન વાળી કાર પસાર થતા અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલકે કાર હંકારી મૂકી હતી. દરમિયાન પોલીસે ખાનગી વાહનમાં કારનો પીછો કરતા આમરણ મેલડી માતાજીના મંદિર પાસે આઈ ટવેન્ટી કારને અકસ્માત નડતા કાર રેઢી હાલતમાં મુકી કાર ચાલક નાસી ગયો હતો. પોલીસે કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની 48 મોટી તેમજ 138 નાની 180 મીલીની બોટલ કિંમત રૂપિયા 89,232નો મુદ્દામાલ મળી આવતા પોલીસે 2 લાખ રૂપિયાની કાર સહિત કુલ રૂપિયા 2,89,232નો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલા કાર ચાલક અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.