વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામને બે વર્ષ અને ચાર મહિનાથી નર્મદાના પાણીના દર્શન જ થયા નથી. આ ગામમાં પીવાના પાણી માટે એકમાત્ર નર્મદાનો જ સ્ત્રોત છે. ગામમાં કોન્ટ્રાકટરની બેદરકારીના પાપે બે વર્ષ કરતા વધુ સમયથી પાણી આવતું જ નથી.જેમાં કોન્ટ્રાકટરે એક લાઈન નાખી પણ એનું કામ પૂરું કર્યું જ નથી. માત્ર અડધી લાઈન જ નાખી છે. એટલે અડધી બાકી છે. થાનમાંથી વાંકાનેરના હસનપરની લાઇનમાંથી આ ગામને પાણી મળતું પણ હવે એ લાઈન બંધ થતાં આ ગામને પાણી ન મળતું હોવાથી ગામલોકોને પાણી માટે કપરો સંઘર્ષ વેઠવો પડે છે.
વાંકાનેરના રાજસ્થળી ગામના સરપંચ જયસુખભાઈ રોજાસરાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું અને હાલ ગામમાં 1 હજારની વસ્તી હોય આ વસ્તીનો મુખ્ય ધંધો ખેતી હોવા છતાં સિંચાઇની સુવિધા ન હોવાથી ખેડૂતો ક્યારેય પણ બે પાંદડે થયા નથી. જ્યારે વરસાદ સારો થાય ત્યારે એક સિઝન પૂરતો જ પાક લઈ શકે છે. આરોગ્ય કેન્દ્ર ન હોય એટલે પાંચ કિમિ દૂર ગામલોકોને જવું પડે છે. 1થી 8 ધો. પ્રાથમિક શાળા, ગામની અંદરના 80 ટકા રોડ તૈયાર અને ભૂગર્ભ ગટર 90 ટકા તૈયાર હોય તેમજ કચરા નિકાલની ખુદ ગ્રામ પંચાયતે જ વ્યવસ્થા કરી છે. ગામને જોડતા સરધરકા, ખાનપર, મોરથડા, મેઈન આ ગામથી ખાનપર રોડ મુખ્ય હોવાથી આ ગામના રસ્તા કાચા હોય તેને પાકા કરવાની માંગ કરી છે.