Monday - Feb 17, 2025

મોરબીની પંચવટી સોસાયટીમાં પાણી પ્રશ્ને મનપા ઝુક્યું, લેખિત ખાતરી આપતા ઉપવાસીએ પારણા કર્યા

મોરબીની પંચવટી સોસાયટીમાં પાણી પ્રશ્ને મનપા ઝુક્યું, લેખિત ખાતરી આપતા ઉપવાસીએ પારણા કર્યા

મોરબીના શનાળા રોડ પાછળ આવેલ કન્યા છાત્રાલય નજીક આવેલી પંચવટી સોસાયટીમાં પાણી પ્રશ્ને એક જાગૃત નાગરિકે ગઈકાલે અનોખી રીતે લડતના મંડાણ કર્યા હતા. તેમ છતાં મનપા તંત્રએ આ સોસાયટીના પાણી પ્રશ્ને કોઈ મચક ન આપતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને આજે આ સોસાયટીના સ્ત્રી પુરુષોના ટોળાએ મનપાને જગાડવા માટે મનપા કચેરીમાં બેસી રામધૂન બોલાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જ્યાં સુધી પાણી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી મનપા કચેરીમાં બેસીને રામધૂન બોલાવી ધરણા કરવાની ચીમકી આપી હતી.આથી મનપા ઝુક્યું હતું અને ઉપવાસીને લેખિત ખાતરી આપી પારણા કરાવતા નવતર લડતનો સુખાત આવ્યો હતો.
 

મોરબીની પંચવટી સોસાયટીમાં પાણી પ્રશ્ને મનપા ઝુક્યું, લેખિત ખાતરી આપતા ઉપવાસીએ પારણા કર્યા

પંચવટી સોસાયટીના રહીશો આજે મોરબી મહાનગરપાલિકા કચેરીમાં દોડી જઈને મોરચો માંડ્યો હતો અને લોકોના ટોળાએ કચેરીમાં બેસીને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરતા જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં છેલ્લા 13 વર્ષથી પાણી અનિયમિત આવે છે અને છેલ્લા 13 દિવસથી પાણીનું એક ટીપુંય આવતું નથી. આથી સ્થાનિક લોકોને પાણી માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. આથી સ્થાનિક રહીશ ચેતનકુમાર ભીલા મનપા તંત્રને ઢંઢોળવા અનોખી રીતે વિરોધ કર્યો છે.જેમાં તેઓ પોતાના ઘરના પાણીના ખાલી ટાંકામાં બેસીને અન્નજળનો ત્યાગ કરી દીધો હતો. આ કઠોર રીતે ઉપવાસ આંદોલન ચલાવવા છતાં મનપાએ દાદ ન આપતા અંતે રહીશો ઉપવાસીના સમર્થનમાં મનપાએ દોડી જઈને અનોખી રીતે વિરોધ કરવાની ફરજ પડી હતી. સોસાયટીના રહીશોએ છેક સુધી લડી લેવાની તૈયારી બતાવતા આખરે તંત્રએ નમતું જોખ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર સાહિતન અધિકારીઓ તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનોએ ઉપવાસીના ઘરે જઈને તેમને પાણી પ્રશ્ન ઉકેલવાની લેખિત બાંહેધરી આપી પારણા કરાવ્યા હતા. જેમાં મનપાએ હાલ તુરત જરૂર પડ્યે ટેન્કરથી પાણી આપવા તેમજ આ સોસાયટીની પાઇપલાઇન ચોકઅપ હોય તો તે સાફ કરી વહેલી તકે પાણી આપવાની ખાતરી આપતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે.