Friday - Jul 03, 2026

મોરબીમાં બે ઇંચથી વધુ વરસાદ, પાકની મિશ્ર સ્થિતિ

મોરબીમાં બે ઇંચથી વધુ વરસાદ, પાકની મિશ્ર સ્થિતિ

મોરબીના ઘણા ગામોમાં વરસાદના ઝાપટાં જ પડતા પાકને રાહત નહીં, માળીયામાં દોઢ ઈંચ વરસાદથી પાકને જીવંતદાન

મોરબી : મોરબી અને માળીયા પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષાના અંતે મેઘરાજાએ જન્માષ્ટમીના પાવન અવસરે મેઘકૃપા વરસાવી હતી. જેમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયાની વચ્ચે સાતમની રાત્રે વીજળીના ભારે ચમકારા સાથે મેઘરાજાએ અડધા કલાક સુધી તોફાની ઇનિંગ ખેલી હતી..પણ થોડીવારમાં વરસાદ રહી જતા  સરેરાશ માત્ર અડધો કે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તોફાની વરસાદ સાથે આકાશમાં લાગલગાટ વીજળીના કડાકા ભડાકા સાથે ભયાનક ચમકારા થતા હમણાં વીજળી પડશે તેવો લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. બીજા દિવસે એટલે જન્માષ્ટમીએ સાંજે મેઘરાજા ફરી તૂટી પડ્યા હતા અને દોઢ ઈંચ પાણી વરસાવી દીધું હતું. સાતમ અને આઠમ એમ બે દિવસમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હોવાની વચ્ચે પણ પાકની સ્થિતિ પર મિશ્ર અસર હોવાના અહેવાલ મળ્યા છે.

મોરબીના ઘણા ગામોમાં માત્ર ઝાપટાં પડ્યા છે.જ્યારે માળીયાના ગામોમાં સારો વરસાદ પડ્યાના અહેવાલ છે.જેમાં મોરબીના હજનાળી ગામના ખેડૂત મહેશભાઈ બાબુભાઇ પારેજીયાએ જણાવ્યું હતું કે, તેમના ગામ, ખારેચિયા, કેરાળી, કાંતિપૂર, આમરણ ચોવીસીના આખા પટ્ટામાં માત્ર છાંટા જ પડ્યા છે. એટલે સારો વરસાદ પડે તો જ મુરજાતી મોલાત બચી શકે એમ છે. તેમજ પંકજભાઈ પટેલના જણાવ્યા મુજબ મોરબીના નાની વાવડી, બગથરા, બિલિયા, લખધીરપુર, બેલા, પીપળી  સહિતના ગામોમાં હજુ ઓછો વરસાદ પડ્યો હોય સારા વરસાદની જરૂર છે. મોરબીના જુના નાગડાવાસના ખેડૂત દિનેશભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, જુના નાગડાવાસ, રામપર, ગાળા, ગૂંગણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે માત્ર ઝાપટું પડ્યું હતું. એટલે કપાસ, મગફળી, તલી, મગફળીના પાકને જીવતદાન મળ્યું નથી. જ્યાં સુધી વરસાદી વાતાવરણ રહેશે. ત્યાં સુધી કદાચ વરસાદ સારો ન થાય તો પણ વાદળછાયા વાતાવરણથી પાકની સ્થિતિ સારી રહેશે. જેવો વરાપ નીકળ્યો કે તરતજ મોલાત મુરજાવા લાગશે. જો કે મોરબીના બીજા ઘણા ગામોમાં સારો વરસાદ પડતાં ત્યાં પાકની સ્થિતિ બહેતર થઈ ગઈ છે. જ્યારે માળીયા મી.ના ખેડૂત જીતુભાઈ જાનીએ કહ્યું હતું કે, માળીયા અને આસપાસના રાસગપર, નવાગામ, મોટી બરાર, વીરવિદરકા,વાઘરવા, હરિપર રણકાંઠા વિસ્તાર સહિતના ઘણા ગામોમાં ગઈકાલે દોઢ ઈંચ જેવો વરસાદ પડતાં મુરજાતી મોલાતને જીવતદાન મળ્યું છે.

જીકિયાળી નજીકનો ઘોડાધ્રોઈ ડેમ 80 ટકા ભરાયો

મોરબી : મોરબી જિલ્લામાં સારા વરસાદને પગલે મોરબીના જીકિયાળી નજીક આવેલ ઘોડાધ્રોઈ ડેમમાં નવા પાણીની ધીંગી આવક થતા હાલમાં ડેમ 80 ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ આવક ચાલુ હોય ડેમના દરવાજા ખોલવા પડે તેમ હોય હેઠવાસના ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.બીજી તરફ મોરબીના સિંચાઈ માટેના મહત્વના મચ્છુ-3માં એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. જ્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 43.57 ટકા ભરાયો છે.

ઠેરઠેર પાણી ભરાયા, ખાડા પરના સાંધા ધોવાયા

મોરબીમાં સતત બે દિવસથી વરસાદ પડતો હોવાથી ઠેરઠેર પાણી ભરાયા છે. જો કે ઘણા સમય બાદ માત્ર બે ઈંચ જેવો સામાન્ય વરસાદ પડવા છતાં મોટાભાગના વિસ્તારમાં અને રોડ ઉપર પાણી ભરાયા હતા અને કીચડ જામી ગયા છે. જો કે અગાઉ થયેલા વરસાદ બાદ ભારે હોબાળો થતા મનપાને રોડ પરના ખાડાનું રિપેરીગ કરવું પડ્યું હતું. પણ હવે નોબત એ આવી છે કે, ફરી વરસાદ પડતા મનપાએ ખાડા ઉપર કરેલા રિપેરીગનું ધોવાણ થઈ ગયું છે અને ફરી ખાડા પડી ગયા છે. મોટાભાગના રોડ ઉપર ખાડાઓ ભયજનક બન્યા હોવાથી મનપા ખાડાની યોગ્ય મરામત કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.

બે છાંટા પડ્યા નથી કે, લાઈટ ગઈ નથી

લાંબા સમય બાદ વરસાદ પડતાં લોકોને હર્ષને બદલે પીડાની અનુભૂતિ થઈ હતી. જેમાં સાતમના દિવસે રાત્રે 11 વાગ્યે વરસાદ પડતાં અને વીજળીના ભારે ચમકારા થતા જ લાઈટ ગુલ થઈ ગઈ છે. એ સાથે જ મોટાભાગના વિસ્તારોમાં અંધકાર છવાઈ ગયો હતો. જો કે મેળામાં તોફાની વરસાદ અને વીજળીના કડકા ભડાકા ઉપરથી અંધારપટ્ટ થયા લોકોમાં ભારે અફડાતડફી મચી ગઇ હતી. વરસાદના બે છાંટા પડ્યા નથી કે લાઈટ ગુલ થઈ નથી તેવો લોકોએ વીજ તંત્ર ઉપર ઉકળાટ ઠાલવ્યો હતો. વરસાદ રહી ગયા પછી પણ લાઈટ ગુલ થઈ ગઈ હતી. આ રીતે ત્રણ વખત લાઈટ ગુલ થઈ હતી અને ખાસ્સો સમય સુધી લાઈટ ન આવતા પીજીવીસીએલના કોલ સેન્ટરમાં ફોન જ રિસીવ ન થવાથી લોકો ભારે હેરાન થયા હતા.

ફોટા રવિ બરાસરા