મોરબી મહાપાલિકા દ્વારા આજે બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત બે રોડ ઉપર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં સ્ટેશન રોડ અને સામાકાંઠે દુકાનોના દબાણ તેમજ મકાનો ઉપર જેસીબી ફેરવીને ગેરકાયદે ખડકાયેલા 20થી વધુ દુકાનોના છાપરા, ઓટલા અને બોર્ડ હટાવી દેવાયા હતા.
મહાપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત આજે સવારે સામાકાંઠે સામાકાંઠે રામકૃષ્ણનગર અને વર્ધમાન વચ્ચે પણ નડતરરૂપ બે મકાનો તોડી નખાયા હતા. ત્યારબાદ રેલવે સ્ટેશન રોડ ઉપર 20થી વધુ દુકાનોના છાપરા, ઓટલા, બોર્ડ દૂર કરવામાં આવ્યા છે. આ વેળાએ વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. તેઓ રજુઆત કરવા જતા હતા પણ રજુઆત કરવા દીધી ન હતી. વેપારીઓએ જણાવ્યું કે અમને કોઈ જાણ કરવામાં આવી નથી. અમે વિનંતી કરી કે બે કલાકનો સમય આપવામાં આવે જેથી નુકસાન ન થાય. પણ મહાપાલિકા દ્વારા સમય આપવામાં ન આવ્યો.
ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન રોડ ઉપર આ ઝુંબેશના શરૂઆતના દિવસોમાં જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પણ ફરીથી દબાણો થઈ જતા મહાપાલિકા દ્વારા બીજી વખત આ રોડનો વારો લઈ જેસીબી ચલાવ્યું હતું અને આ સ્ટેશન રોડ ઉપર રોડને નડતરરૂપ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.