મોરબી શહેર અને જિલ્લામાં સરકારી આધારકાર્ડ સેન્ટરોમાં ધાંધિયા ચાલી રહ્યા છે તેથી આ તકનો લાભ લઈ જરૂરતમંદ લોકો પાસેથી પોતાની મરજી મુજબના ભાવ વસૂલી સુપર માર્કેટમાં આવેલ ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં આધારકાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવાની સ્ફોટક વિગતો સામે આવતા મોરબી પોસ્ટ વિભાગના અધિકારીએ નોંધાવેલ ફરિયાદને આધારે પોલીસે દરોડો પાડી નકલી આધારકાર્ડ સેન્ટર પકડી પાડી પૂર્વ શિક્ષક અને વકીલ તેમજ પોસ્ટમેનને ઝડપી લઈ ગુન્હો દાખલ કરતા ચકચાર જાગી છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં બિન અધિકૃત રીતે આધારકાર્ડમા સુધારા વધારા અને નવા આધારકાર્ડ કાઢવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવતા મોરબી પોસ્ટ વિભાગના અધિકારી પરાગ હરસુખલાલ વસંતે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પૂર્વ શિક્ષક અને ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજય સરડવા અને પોસ્ટમેન જયેશ ગોવિંદભાઇ સરડવા વિરુદ્ધ પોસ્ટમેનની આધારકાર્ડ આઈડીનો ઉપયોગ કરી બિન અધિકૃત રીતે આધારકાર્ડમાં સુધારા વધારા કરવા તેમજ નવા આધારકાર્ડ બનાવી ઠગાઈ કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુંન્હો નોંધી ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી વિજય સરડવા લાંબા સમયથી પોતાના ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોવાનું અને જરૂરતમંદ લોકો પાસેથી મન પડે તેવા ભાવ વસુલ કરી નકલી આધારકાર્ડ સેન્ટર ચલાવતો હોવાની ફરિયાદ બાદ પોસ્ટ વિભાગ હરકતમાં આવ્યો હતો અને પોસ્ટમેન જયેશ ગોવિંદભાઈ સરડવાની આધારકિટ વડે આ ગેરકાનૂની કાર્યવાહી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આધાર અધિનિયમ અને આઈટી એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરી ધરપકડ કરી છે.