Wednesday - Nov 05, 2025

મોરબીના યુવાનને એક લાખમાં કાર આપવાની લાલચ આપી રૂ. 4.35 લાખની છેતરપીંડી

મોરબીના યુવાનને એક લાખમાં કાર આપવાની લાલચ આપી રૂ. 4.35 લાખની છેતરપીંડી

મોરબી : મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા અને સર્વિસ સ્ટેશન ધરાવતા યુવાને olxમાં જાહેરાત જોઈ મોરબીમાંથી જ આઈ -20 કાર ખરીદવા માટે ગયા બાદ એક લાખ ઓછી કિંમતે કાર ખરીદવા વાત કરી હતી. જો કે, આ યુવાનને સસ્તામાં કાર ખરીદવાની લાલસામા કાર - 24 ના નામે ફોન કરી ગઠિયો રૂપિયા 4.35 લાખમા છેતરી જતા છથી સાત માસ જૂની ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના વાઘપરામાં રહેતા અને સર્વિસ સ્ટેશન ચલાવતા ફરિયાદી ખોડીદાસભાઈ રમેશભાઈ પરમારે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત માર્ચ માસમાં olxમા જૂની આઈ ટવેન્ટી કાર વેચાણની જાહેરાત જોઈ તેઓ કાર ખરીદવા માટે જાહેરાતમાં આપેલ નંબર ઉપર ફોન કરી મોરબીના હળવદ રોડ ઉપર આવેલ રામકો સોસાયટી પાસે સેરા સ્ટોન ટાઇલ્સ કટિંગ નામના કારખાને જતા કાર માલિક વિમલભાઈએ પોતાની જીજે - 36 - એલ - 7130 નંબરની કાર બતાવી રૂપિયા 5.50 લાખ કિંમત આંકી હતી. જો કે, ખોડીદાસભાઈએ આ કાર 4.50 હજારમા માંગી હતી જેથી સોદો થયો ન હતો.

બાદમાં તા.28 માર્ચના રોજ ખોડીદાસભાઈને મોબાઈલ ઉપર હું કાર -24માંથી અર્પિતકુમાર બોલું છું કહી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારે વિમલભાઈની આઈ-20 કાર લેવાની છે તે કાર તમને 4.51 લાખમાં મળી જશે, વિમલભાઈને ક્રેટા કાર લેવાની છે જેમા તેમને હું એક લાખ ડિસ્કાઉન્ટ કરી આપીશ જેથી તમે કારનું પેમેન્ટ આપી કાર મેળવી લો. બીજી તરફ એક લાખ સસ્તામા કાર આવતી હોય લાલચમાં આવી ગયેલા ખોડીદાસભાઈએ કાર ખરીદવા હા પાડી હતી અને વિમલભાઈને ફોન કરતા વિમલભાઈએ પણ અર્પિતકુમારનો ફોન આવ્યાનું જણાવ્યું હતું. જેથી ખોડીદાસભાઈએ અર્પિતકુમારને પમેન્ટ કેવી રીતે અને ક્યાં મોકલવાનું તેમ પૂછતાં આરોપીએ કલોલ ખાતે આંગડીયુ કરવાનું કહેતા ખોડીદાસભાઈએ રૂ.4.35 લાખનું આંગડિયું કરી કાર અને ડોક્યુમેન્ટ આપવા વિમલભાઈને ફોન કરતા વિમલભાઈ આવી ગયા હતા અને પેમેન્ટ મળે એટલે કાર આપું તેમ કહ્યું હતું. જો કે, આરોપી અર્પિતના કહ્યા મુજબ આંગડિયું કરતા જ ગઠિયા અર્પિત કુમારનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હોય અંતે ખોડીદાસભાઈ છેતરાયા હોવાનું સ્પષ્ટ બનતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અર્પિતકુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે