Sunday - Jul 05, 2026

મોરબીના પ્રધાનમંત્રી આવાસોમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

મોરબીના પ્રધાનમંત્રી આવાસોમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

મોરબીમાં મેઘરાજાની કૃપાથી તમામ જલાશયો અને નદી નાળા તેમજ તળાવો ઓવરફ્લો થઈ જવાથી એક વર્ષનું પાણીનું સુખ થઈ ગયું છે. પણ પાલિકા તંત્રની અણઆવડત અને અણઘડ આયોજનથી છતાં પાણીએ પ્રજાને તરસ્યા રહેવાની નોબત આવી છે. જેમાં મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં છેલ્લા કેટલાક સમયથી પાણીનું એક ટીપુંય આવતું ન હોવાની ફરિયાદ સાથે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં રહેતી મહિલાઓ નગરપાલિકા કચેરીએ દોડી જઈને તંત્ર સામે મોરચો માંડ્યો હતો. મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, પાણી સમ ખાવા પૂરતું આવતું ન હોવાથી મહિલાઓને પાણી માટે ભારે વલખા મારવા પડે છે અને એક બેડા પાણી માટે દર દર ભટકવું પડે છે. વાલ્વ મેન દ્વારા વાલ્વ જ ખોલતો ન હોવાથી આ પાણીની મોકાણ સર્જાઈ છે. આથી મહિલાઓએ પાણી આપોના પોકાર કરી ઉગ્ર રજુઆત કરી હતી. આથી તંત્રએ ટુક સમયમાં આ પાણી પ્રશ્ન ઉકેલવાની ખાતરી અપાતા મહિલાઓનો રોષ શાંત પડ્યો હતો.