અજાણ્યા શખ્સે મંદિરેથી વૃધ્ધાનો ઘર સુધી પીછો કરી પીવાનું પાણી માંગી ચેઇન આંચકીને ફરાર થઇ ગયો
મોરબી : મોરબીના જાણીતા કુબેરનાથ મહાદેવ મંદિરે હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૃદ્ધા દર્શને કરીને ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે તેમનો મંદિરથી ઘર સુધી પીછો કરી અજાણ્યા શખ્સે સરનામું પૂછવાને બહાને પાણી માંગ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝૂંટવીને ફરાર થઇ ગયો હતો. આથી વૃદ્ધાએ મોટર સાયકલના નંબરના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચીલઝડપની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીની પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દીપકભાઈ પારેખ ઉ.62 નામના મહિલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જીજે -10 - ઇએ - 8593 નંબરના મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ રાત્રીના સમયે તેઓ કુબેરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા બાદ પરત આવતા મંદિરના ઓટલા ઉપર બેઠા હતા ત્યારે એક અજાણ્યો યુવાન તેમની નજીક બેઠો હતો.બાદમાં તેઓ ઘર તરફ જવા લાગતા આ શખ્સે તેમનો પીછો કરી પારેખ શેરીમાં આવી પ્રવિણસિંહ જાડેજાનું મકાન ક્યાં આવે તેમ પૂછતાં ભારતીબેને ખબર નથી એમ કહેવા છતાં આ શખ્સે પીછો કરવાનું ચાલુ રાખી ભારતીબેન ઘર પાસે પહોંચતા આ શખ્સ પણ તેમની પાછળ આવતા ભારતીબેને કહ્યું હતું કે, આ શેરી બંધ શેરી છે જેથી આગળ જઈ તેને મોટર સાયકલ પાછું વાળી ભારતીબેન પાસે પીવાનું પાણી માંગતા ઘરમાંથી તેઓએ પાણી આપતા ગ્લાસ પાછો આપતી વેળાએ આ અજાણ્યા શખ્સે ગળામાંથી દોઢ તોલાનો ચેઇન કિંમત રૂપિયા 1,05,000 આચકી નાસી ગયો હતો.બાદમાં સિસિટીવી ચેક કરતા ચેઇનની ચિલઝડપ કરનાર જીજે 10 ઇએ 8593 નંબરના મોટર સાયકલ ઉપર આવ્યો હોવાનું સામે આવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.