Monday - Aug 31, 2026

મોરબીના વન વિભાગને કોન્ટ્રાકટરે કમ્પાઉન્ડ વોલ બનાવવાના નામે રૂ.5.91 લાખનો ચુનો લગાવ્યો

મોરબીના વન વિભાગને કોન્ટ્રાકટરે કમ્પાઉન્ડ વોલ બનાવવાના નામે રૂ.5.91 લાખનો ચુનો લગાવ્યો

આણંદપર બાંધીની વિડીમાં બાઉન્ડ્રી વોલ બનાવવાનો કોન્ટ્રાકટ રાખી કામ ન કરી ઉપરાંત એફડીઆર પણ નકલી હોવાનો ભાંડો ફૂટ્યો

મોરબી : વન વિભાગની રાજકોટ રેન્જ હેઠળ આવતી આણંદપર બાઘી વિસ્તારની વિડીમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી અંગે મોરબી વન વિભાગે બહાર પાડેલા ટેન્ડર મુજબ કોન્ટ્રાકટ રાખનાર ગીર સોમનાથ જિલ્લાની પેઢીએ કોન્ટ્રાકટ રાખ્યા બાદ કામ શરૂ નહીં કરતા કોન્ટ્રાકટ રદ કરી એનેસ્ટરમ મની અને ડિપોઝીટ જપ્ત કરવાની કાર્યવાહીમાં કોન્ટ્રાકટર વન વિભાગને નકલી બેન્ક એફડીઆર ધાબડી ગયાનું ખુલતા મોરબી વન વિભાગે કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબી નાયબ વન સંરક્ષક કચેરીમાં ફરજ બજાવતા મુખ્ય કારકુન કરશનભાઇ ગોવાભાઈ ચાવડા રહે.વેજીટેબલ રોડ, ફોરેસ્ટ કોલોની વાળાઓએ આરોપી બલરામદેવ કન્ટ્રકશનના પ્રોપરાઈટર ગોવિંદભાઇ નારણભાઇ બારડ રહે.ઉમરેઠી તા.તાલાળા જી.ગીર સોમાનાથ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, વર્ષ 2024 -2025મા રાજકોટ રેન્જ હેઠળ આવતા આણંદપર બાધી ગામની વન વિભાગની વિડીમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું જેમાં આરોપી બલરામદેવ કન્ટ્રક્શન દ્વારા ટેન્ડર ભરવામાં આવતા ટેન્ડર મંજુર કરાયું હતું.જે તે સમયે આરોપી પેઢીના સંચાલક ગોવિંદભાઇ નારણભાઇ બારડે રૂ.5,91,517નો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો એફડીઆર રજૂ કર્યો હતો.જો કે, આરોપીની પેઢીને વારંવાર સૂચના આપવા છતાં કામ શરૂ નહીં કરતા અંતે વન વિભાગે નિયમ મુજબ ડિપોઝીટ જપ્ત કરવા કાર્યવાહી શરૂ કરતાં આરોપીએ રજૂ કરેલી એફડીઆર નકલી હોવાનો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ આવતા સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.