મોરબી : મોરબીના બગથળા ગામની સરકારી હાઇસ્કુલ, અને મોરબીના સામાકાંઠે પછાત વિસ્તારમાં આવેલ અર્ધ સરકારી એન જી મહેતા હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય અને કેળવણીકાર ટી. એમ. પંડયાનું આજે અવસાન થયું છે. તેમના અવસાનથી મોરબીના શિક્ષણ આલમમાં મોટી ખોટ પડી છે અને શિક્ષણ જગતમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. બપોરે 4 કલાકે તેમના નિવાસસ્થાન નરસંગ મંદિર સામે, રવાપર રોડ પરથી સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મોરબીના સામાકાંઠે ભળીયાદ રોડ ઉપર 80ના દાયકામાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અર્ધ સરકારી સ્કૂલ એટલે એન.જી મહેતા સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. તે સમયે શરૂઆત આ સ્કૂલના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે ટી. એમ. પંડયાની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે તમામ વિષયના શિક્ષકોની પણ નિમણૂક થઈ જતા આ સ્કૂલમાં કડક શિક્ષણ અને સંસ્કારો તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મજબૂત ટિમ બની હતી. આ સ્કુલમાં તેમની સૂચના મુજબ 8 પીરીયડ, એમાં બે રિશેષ, રોજ એક પીરીયડ રમત ગમત-વ્યાયામ, વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિ કરાવતા હતા. તેઓએ દરેક વર્ગમાં રૂબરૂ એક વખત શિક્ષણનું સુપર વિઝન કરતા. સ્કુલ શરૂ થાય તે પહેલાં પરમ પિતા પરમેશ્વરની સમૂહમાં પ્રાર્થના-સુવિચાર અને સુવિચારનો અર્થ પણ વિદ્યાર્થીઓને સમજાવવાનો આગ્રહ રાખતા હતા. ગુણવત્તા સભર શિક્ષણને કારણે આ સ્ફુલમાં 300થી ઉપર સંખ્યા થઈ જતી અને વર્ગો વધારવા પડતા પણ 1998માં નિવૃત થયા બાદ થોડી સંખ્યા ઘટતા હવે ફરીથી આ સ્કૂલમાં સંખ્યા વધે તે માટે પ્રિન્સિપાલ દીપાલીબેન પ્રયત્નશીલ છે.