મોરબીની એક 14 વર્ષની તેજસ્વી દીકરીએ માત્ર બે વર્ષમાં પોતાના આઈ કયું લેવલનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી દરેક પ્રકારના વ્યક્તિના આબેહૂબ અને સૃષ્ટિના સર્જનના વૈભવને ચિત્રો રૂપે અદભુત રીતે કંડારવામાં નિપણુતા મેળવી કલા જગતમાં દીકરા કરતા દીકરીઓ સવાઈ હોવાનું ચરિતાર્થ કર્યું છે. આ હોનહાર દીકરીનું નામ પ્રિષા વિપુલભાઈ ભીમાણી છે અને પ્રિષા સનરાઈજ પાર્ક 2 "બાલાજી હાયટ્સ "નાની કેનાલ રોડ, ઓમ પાર્ક સામે મોરબીમાં રહે છે. હાલ ધો.8માં અભ્યાસ કરે છે. ભણવામાં તેજસ્વી આ દીકરીને જન્મજાત ચિત્રો દોરવાનો શોખ ન હતો. જો કે નાનપણથી જ ચિત્રો પ્રત્યે રુચિ તો હતી. પણ ખરી રીતે તો છેલ્લા બે વર્ષ પહેલાં પ્રિષાના મનમાં કુદરતી રીતે ચિત્રોનું સર્જન કરવાનો રસ જાગ્યો હતો અને ચિત્રો કાગળ પર અંકિત કરવામાં એટલી મશગુલ થઈ જાય છે કે તેને સ્થળ કાળનું પણ ભાન રહેતું નથી અને બે વર્ષ પહેલાં ક્યારે કાગળ પર પેન્સિલથી પ્રથમ ચિત્ર બનાવ્યું તેનો અત્યારે ખ્યાલ નથી. પણ બે વર્ષમાં સારા ચિત્રકાર પણ એનું ચિત્ર જોઈને દંગ રહી જાય તેવી મહારત મેળવી છે. પ્રિષા દરેક વ્યક્તિને એકવાર જોઈ તેમજ પ્રકૃતિને અદભુત રીતે મોટા કાગળ ઉપર પેન્સિલથી વર્ક કરે છે. આ દીકરીએ તેના માતા, પિતા, અધિકારીઓ, મહાપુરુષો, દેવી દેવતા, રાષ્ટ્ર પ્રત્યે પ્રાણનું બલિદાન આપતા સેનાના જવાનો સહિતના અનેક વ્યક્તિઓ તેમજ સૃષ્ટિના સોર્દયને પેન્સિલથી એવા અદભુત રીતે કાગળ પર ઉતારી આબેહૂબ ચિત્રો દોરીને તાલુકા અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં પ્રથમ નંબર મેળવીને હવે તેને રાજ્ય કક્ષાએ પોતાની કલાને પ્રસ્તુત કરવાની તક મળી છે. પોતાની સિદ્ધિ વિશે પ્રિષા કહે છે કે, નંબર વન કે ટુ ગૌણ બાબત છે. મારી અંદર કુદરતિ બક્ષીસ રૂપે રહેલી કલાને મેં પારખીને યોગ્ય રીતે પ્રસ્તુત કરી એનો મને અંતરથી આનંદ મળ્યો એ ખુશીનું શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી.
મોબાઈલનો માત્ર કામ પૂરતો જ ઉપયોગ
મોટાભાગના બાળકો મોબાઈલમાં એટલા ગળાડૂબ થઈ જાય છે કે, બીજી કોઈ બાબતમાં મન જ લાગતું નથી. જ્યારે પ્રિષા માત્ર કામ પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરે છે. એટલે ડ્રોઈંગ માટે મોબાઈલનો માત્ર અડધી કલાક જ ઉપયોગ કરે છે. બાકી તે જાતે જ મોબાઈલથી દુર રહી અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. ખાસ તો સ્કૂલના દરેક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે છે. એટલે ભણતર, ચિત્રોનું સર્જન કરવાની સાથે પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તેવી ઈતર પ્રવૃત્તિઓ કરે છે.
દીકરી જ મારે મન દીકરો છે
વિપુલભાઈ ભીમાણી અને તેના પત્ની ધો.10 સુધી ભણેલા છે. અભ્યાસ ભલે ઓછો કર્યો હોય પણ ગણેલા વધુ છે. એટલે સામાજીક અને વ્યવહારિક જ્ઞાન પૂરેપૂરૂ છે. જો કે તેઓ સમજણા થયા ત્યારથી દીકરી દીકરા વચ્ચેના અંતરના ભેદભાવથી દુર જ રહ્યા છે. આથી લગ્ન પહેલા સંતાનમાં એક દીકરી રાખવાનું નક્કી કર્યું હતું. આ પ્રાર્થના કબૂલ થઈ હોય પ્રથમ સંતાન રૂપે દીકરીનો જન્મ થતા તેમની ખુશીની કોઈ સીમા રહી ન હતી. એના થોડા વર્ષ પછી બન્ને પક્ષના વડીલો બીજા સંતાનની અપેક્ષા કરતા વિપુલભાઈએ આ દીકરી જ મારે મન દીકરો છે એવું પ્રેમથી સમજાવી વડીલોને મનાવીને સંતાનમાં એક જ દીકરી રાખી છે.