Friday - May 08, 2026

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આડેધડ દબાણ હટાવ કામગીરીથી વેપારીઓમાં આક્રોશ

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આડેધડ દબાણ હટાવ કામગીરીથી વેપારીઓમાં આક્રોશ

છજ્જાથી નીચેના બોર્ડ અને ગટર પરના ઓટલા તોડી પાડતા વેપારીઓના ધંધા રોજગાર પર અસર

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત રેલવે સ્ટેશન રોડ પર ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે ડીમોલિશનની કામગીરી સામે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. કેમ કે છજ્જાથી નીચે લગાવેલા બોર્ડ જે નડતર રૂપ ન હોય તેમ છતાં દુર કરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા છે. સાથે જ દુકાન પાસેથી પસાર થતી ગટર પર કરવામાં આવેલા ઓટલા પણ તોડી પડાયા છે. વેપારીઓ એકઠા થઈને મહાનગરપાલિકા કચેરીએ આ બાબતે રજૂઆત કરવા ગયા હતા પરંતુ ત્યાં કોઈ રજૂઆત ન સાંભળતા દુકાનો પાસે જ વેપારીઓએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિક વેપારી અમિતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે,અમને તંત્ર દ્વારા કહેવાયું કે બોર્ડ ઉતારી લેજો અને પાછળથી બુલડોઝર આવીને આ બોર્ડ તોડી પાડવામાં આવ્યા છે અને ગટર પર રહેલા ઓટલા અને દુકાનમાં જવા માટેના પગથિયા પણ તોડી નાખવામાં આવ્યા હતા. જેના કારણે દુકાનમાં કોઈ આવી શકે કે જઈ શકાય તેમ નથી. જેથી તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા આ ગટર ઢાંકવામાં આવે અને ઢાંકણા મૂકવામાં આવે.અન્ય વેપારીએ આરોપ લગાવ્યો હતો કે, અડધી દુકાનોના ઓટલા તોડવામાં આવ્યા છે અને અડધાના બાકી રાખી દેવામાં આવ્યા છે. રાજકીય આગેવાનોના ફોન આવી ગયા હોવાથી અમુક લોકોના ઓટલા તોડવામાં આવ્યા નથી. ઓટલા તોડવામાં પણ ભેદભાવ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. રહેણાક વિસ્તારના ઓટા રોડ સુધી હોવા છતાં તે પાડવામાં આવ્યા નથી. આ અંગે અરજી કરવા મહાનગરપાલિકાએ ગયા તો ત્યાં કોઈ અધિકારી હાજર નહતા અને ગુરુવારે રજૂઆત કરવા આવવા કહ્યું હતું. રેલવે સ્ટેશન રોડ પર રોડ રસ્તા પણ ખરાબ હાલતમાં છે. કાંકરા ઉડતા હોય છે. અનેક વખત રોડ અંગે રજૂઆત કરી છે તેમ છતાં રોડ બનાવવામાં આવતો નથી. તેથી ગુરુવારે જો નિરાકરણ નહીં આવે તો અમે રોડ બંધ કરીને મહાનગરપાલિકાએ વિરોધ નોંધાવીશું.