Saturday - May 18, 2024

મોરબી નગરપાલિકા તંત્રના પાપે બાગ બગીચાનો ભૂતકાળ ભવ્ય વર્તમાન ખંડેર

મોરબી નગરપાલિકા તંત્રના પાપે બાગ બગીચાનો ભૂતકાળ ભવ્ય વર્તમાન ખંડેર

કલ ચમન થા.. આજ વેરાન હો ગયા.. મોરબી નગરપાલિકા તંત્રના પાપે શહેરમાં માત્ર બે સારા કહી શકાય એવા બાગનો ભવ્ય ભૂતકાળ ખંડેરમાં ફેરવાય ગયો છે. કેસરબાગનો ઘણો ભાગ ઓવરબ્રિજની કપાતમાં જતા બાળકોના મનોરંજનના સાધનોનો સફાયો કરી દેવામાં આવ્યો છે. કેટલાક લોકો વિકાસની આડમાં બાળકોના નિર્દોષ આનંદ છીનવતા નારાજગી દર્શાવી છે. જો કે કેસરબાગની સાથે સરદાર બાગ પણ ખંડિત થઈ ગયો હોય શહેરમાં અત્યારે એકપણ સારા બાગ ન બચતા હાલ વેકેશનમાં બાળકો જાયે તો જાયે કહા તેવી સ્થિતિ સર્જાઈ છે.
 

મોરબી નગરપાલિકા તંત્રના પાપે બાગ બગીચાનો ભૂતકાળ ભવ્ય વર્તમાન ખંડેર

મોરબીના ઘણા બધા જૂની પેઢી એટલે 50થી 55 વર્ષના લોકો પોતાના સંસ્મરણો વાગોળતા કહે છે કે, બાળપણ તો બહુ જ મજાનું અને સુંદર સભારણુ છે. બાળપણ મોટાભાગે ઉપવનમાં ખરા અર્થમાં ખીલતું હોય છે. ખાસ તો ઉનાળુ વેકેશન તો બહુ જ લાબું હોય છે. ધો. 1 થી 10 વચ્ચેનો ગાળો બાળકો માટે નિજાનંદ મેળવવવાનો હોય છે. એટલે આ ગાળામાં મોટાભાગનો સમય શહેરના બગીચાઓમાં જ વિતાવતા તે સમયે સૌથી મોટો કેસરબાગ જાજરમાન અને ભવ્ય હતો. ઉંચા ઉંચા વૃક્ષો એમાંથી ફળો ખાવા તેમજ વડ જેવા મોટા વૃક્ષ નીચે લીલીછમ વનરાઈમાં કલાકો સુધી સુતા રહેવું , ભાઈબંધો સાથે વિવિધ રમતો રમવી તેમજ બાળકો માટેના ભવ્ય હીંચકા લપસીયા, હાથી અંદરથી બહાર નીકળવું એનો રોમાંચ કઈ અલગ જ હતો.આવી જ રીતે શહેરમાં મણિમંદિર નીચે રાણીબાગ, ત્રિકોણબાગ એટલે ગાંધી બાગ અને સ્ટેશન રોડ પરના સુરજબાગ અને આશરે બે-ત્રણ દાયકા પહેલાં બનેલો સરદાર બાગ પણ ભવ્ય હતો. આ બધા જ બાગમાં માતાપિતા સાથે બાળકો આવી તેમજ વારે તહેવારોમાં પણ લોકો ઉમટી અને જુદા જુદા વ્રત પણ બહેનો મનાવતી અને શહેરના હજારો લોકો માટે હરવા ફરવા અને પીકનીક સ્થળો બની ગયા હતા. પણ 2000 પછી જે પણ નગરપાલિકા બોડી આવી તે તમામ શાસક બોડીએ બાગ બગીચાની સાર સંભાળમાં જરાય ન આપતા એક પછી એક બાગની પડતી શરૂ થઈ ગઈ છે. આજે કેસરબાગમાં લાઈબ્રેરી, પાણીની ટાકી સહિતનો મોટો હિસ્સો હતો જ. હવે ઓવરબ્રિજમાં આ બાગ થોડા ઘણો કપાતમાં આવતો હોય અને ત્યાં ઓવરબ્રિજનું કામ ચાલુ હોય બાળકો જઈ શકતા નથી. જ્યારે રાણીબાગ અને સુરજબાગ અને ગાંધીબાગની હયાતી સામે પડકાર ઉભો થયો છે. રાણીબાગ વેરાન થઈ ગયો હોય અત્યારે ત્યાં કોઈ જતું ન હોય તેમજ ગાંધીબાગને પાર્કિગમાં ફેરવી દીધો છે.તેમજ સૌથી સારો કહી શકાય તો શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ પણ ઉજ્જડ બનવાની કગર પર છે. અહીં બાળકો અને મોટી સંખ્યા વૃદ્ધો, યુવાનો તેમજ સારા સારા ઘરના મોટી સંખ્યામાં લોકો આવતા હોય પણ હીંચકા અને લપસીયા જર્જરિત થઈ ગયા હોય બાળકોને ખુશીને બદલે ડામ આપે છે. અત્યારે તમામ શહેરીજનોનો એક જ પ્રશ્ન છે કે, મોરબી મનપા બની જશે પણ સારા બગીચા અને હરવા ફરવાના સ્થળો અમને નસીબ થશે.

મોરબી નગરપાલિકા તંત્રના પાપે બાગ બગીચાનો ભૂતકાળ ભવ્ય વર્તમાન ખંડેર