Monday - Jul 06, 2026

મોરબી મનપાએ જાહેરમાં થૂંકનાર લોકોના ફોટા સાથે પોસ્ટર લગાવ્યું

મોરબી મનપાએ જાહેરમાં થૂંકનાર લોકોના ફોટા સાથે પોસ્ટર લગાવ્યું

મોરબી મનપા જાહેરમાં પાનની પિચકારી લગાવનાર પાન માવાના શોખીનો સામે આકરા પાણીએ થયું છે.જો કે મનપાએ અગાઉ જાહેર મિલકતને થુંક દાની બનાવનાર લોકોને 500 રૂપિયા દંડ કરવાની જોગવાઈ કરતા પોસ્ટર લગાવ્યા હતા. તેમ છતાં અમુક પાન માવાના શોખીનો આદત સે મજબુર હોય તેમ જાહેરમાં પાન માવાની પિચકારી થુંકતા મનપાએ આવા શોખીનોના ફોટા પાડી પોસ્ટર લગાવ્યું છે અને બીજા શોખીનોને પણ આવી કરતૂતો ન કરવાની ચેતવણી આપી છે.

મોરબી મહાનગર પાલિકા બનતાની સાથે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે મનપાના તમામ નીતિ નિયમોની કડક અમલવારી કરી છે. જેમાં શહેરમાં નડતરરૂપ તમામ દબાણો દૂર કરવા સપ્તાહમાં એક વખત વન વિક વન રોડ અંતર્ગત દર અઠવાડિયે એક રોડનો વારો લઈ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તેમજ શહેરમાંથી ગંદકી નાબૂદ કરવા આકાર પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં જાહેરમાં પેશાબ કરતા લોકોના ફોટા પાડી પોસ્ટર લગાવ્યું છે  હવે મનપાએ જાહેર મિલકતને થુંકદાની બનાવનાર પાન માવાના શોખીનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મનપાએ શહેરના ગાંધીચોકમાં આવા લોકોનું પોસ્ટર મૂક્યું છે. જેમાં શહેરની જાહેર મિલકતમાં થુકીને ગંદી બનાવનાર 5 જેટલા પાન માવાના શોખીનોને રૂ 500નો દંડ ફટકારી ફોટા પાડીને જાહેરમાં લગાવ્યા છે. તેમાં આવી કરતૂતો કરનાર પાન માવાના શોખીનો પિચકારી મારતા દેખાઈ છે. જો કે તેમનો ચહેરો છુંપાવવામાં આવ્યો છે.જ્યારે એક તસ્વીર ખાલી રાખવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે તમે જાહેરમાં થૂંકતા પકડાશો તો તમારો ફોટા પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે  મનપાનું આ પગલું સ્તુત્ય છે. જો શહેરમાં જાહેર અને ખાનગી મિલકતની આ રીતે દુર્ગતિ કરનાર લોકો શરમમાં મુકાય અને બીજી વખત આવું કૃત્ય ન કરે તે માટે મનપાની આ કાર્યવાહી યોગ્ય છે. પણ ધીરેધીરે શહેરના દરેક વિસ્તારમાં આ કાર્યવાહી થાય તો શહેર આખું ક્લીન થઈ જાય એમ છે. જાહેર મિલકતને થૂંકદાની બનાવવામાં સરકારી બાબુઓનો પણ સિંહ ફાળો છે. સરકારી બિલ્ડીંગોમાં પણ આવી પિચકારીઓ લાગેલી છે. ત્યાં પણ આવી દંડની કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે નિયમો બધાને એક સરખા લાગુ પડે છે.