મોરબી : મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિ અન્વયે વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ઘરની મુલાકાત લઈ પાણી ભરેલ પાત્રની ચકાસણી કરાઈ હતી તથા આવા પાત્રમાં પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. તેમજ ખુલ્લી ગટર તેમજ વોકળામાં મચ્છર ના થાય તે માટે દવાનો છંટકાવ તથા ડસ્ટિંગ સહિતની કામગીરી કરાઈ હતી.
મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહીં તે માટે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલા બંધીયાર પાણી વહેતું કરી દેવા તેમજ તકેદારી રાખવા, તેમજ તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.