મોરબી : મોરબીમાં સિરામિક, ઘડિયાલ, સેનેટરીવેર, પેપર મીલ, પોલીપેક જેવા હજારોની સંખ્યા ઔદ્યોગિક એકમો આવેલા છે. અહીં બીજા રાજ્યના લાખો શ્રમિકો કામ કરી રહ્યા છે. ઉપરાંત બહારગામના ધંધાર્થીઓ પણ મોટી સંખ્યામાં મોરબીનો પ્રવાસ ખેડતા હોય છે. ત્યારે મોરબીનો આટલો ઔદ્યોગિક વિકાસ હોવા છતાં પણ કમનસીબે એક પણ લાંબા અંતરની ટ્રેન મળી નથી. ત્યારે આ મામલે સામાજીક આગેવાન જયેશભાઇ મકવાણા દ્વારા પશ્ચિમ રેલવે અને રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં તેઓએ જણાવ્યુ છે કે રાજકોટ ડીવીઝન દ્વારા છેલ્લા 25 વર્ષમાં મોરબીને માત્ર 30 કિમીના રૂટ ઉપર ચાલતી 2 ડબ્બાની ડેમુ ટ્રેન જ આપવામાં આવી છે. મોરબીને પુરી, દીલ્હી, હરીદ્રાર, મુંબઈ, એમ.પી., યુ.પી. તેમજ સાઉથના રાજયની આ તમામ રેલ્વે સ્ટેશનની અઠવાડીયામાં સાત દિવસમાં આ એક એક ટ્રેન ચલાવવામાં આવે.મોરબી એક એવુ શહેર છે કે તેની પાસે દરેક રાજય ની ટ્રેનો હોવી જોઈએ.
મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન હાલ માં જે સાઈડ છે તેની સામેની સાઇડ નવુ નજરબાગ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવે. સૌરાષ્ટ્રની લાંબા અંતરોની પેસેન્ઝર ટ્રેનો જેવી કે ઓખા, જામનગર, હાપા, પોરબંદર, વેરાવળ, સોમનાથ, રાજકોટને વાયા મોરબી, માળીયા, હળવદ, ધ્રાંગધ્રા ચલાવામાં આવે અથવા આ રેલ્વે સ્ટેશનોની દીલ્હી સાઈડ ટ્રેનો હોય તો વાયા મોરબી, સામખીયારી, પાલનપુર થઈને ચલાવામાં આવે. સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ઓખા- ભુજ, પોરબંદર- ભુજ, સોમનાથ- ભુજ, ભાવનગર- ભુજ આ ટ્રેનોને વાયા મોરબી ચલાવવામાં આવે.
મોરબી અને વાકાનેરમાં હાલમાં જે ડેમુ ટ્રેન ચાલે છે આ ટ્રેન અવાર નવાર રસ્તામાં બંધ થઈ જાય છે તેથી હાલમાં ઈલેકટ્રીક લાઈન ચાલુ થઈ ગયેલ છે તો મોરબીથી વાકાનેર ડેમુ ટ્રેનના બદલે મેમુ ટ્રેન આપવામાં આવે. મોરબી- રાજકોટ ડેમુ ટ્રેન કોવીડના ટાઈમથી બંધ કરી દેવામાં આવી છે આ ટ્રેન ડેમુના બદલે તેમજ મોરબીથી સવારના સમયે મેમુ ટ્રેન ચાલુ કરવામાં આવે.