Saturday - May 18, 2024

મોરબી હળવદ હાઇવે ઉપર ટ્રાફિકની રોજિંદી હૈયાહોળી

મોરબી હળવદ હાઇવે ઉપર ટ્રાફિકની રોજિંદી હૈયાહોળી

મોરબી હળવદ હાઇવેનું ઘણા સમયથી ફોરલેનનું કામ ચાલુ હોય પણ આ રોડની અણઘડ કામગીરીને કારણે ટ્રાફિક ભગવાન ભરોસે થઈ ગયો છે. ફોરલેનની કામગીરી દરમિયાન ટ્રાફિક ક્યાંથી બન્ને બાજુએથી નિકળવો જોઈએ ? એની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહનો આડેધડ ચાલતા ઘણીવાર વાહનો ફસાય જવાથી ટ્રાફિકની ભારે અંધાધુધી સર્જાઈ છે. ફોરલેનની યોગ્ય કામગીરી અને બન્ને બાજુએ ટ્રાફિકનું યોગ્ય સંચાલન જ ન થવાથી ટ્રાફિકજામ હૈયાહોળી રોજિંદી બની છે. જેમાં હજારો વાહનો ફસાય જાય છે. મોરબી હળવદ વચ્ચે આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય, નોકરિયાત સહિત તમામ સ્તરે જોડાણ હોવાથી આ માર્ગ પર દર સેકન્ડે હજારો વાહનો ફસાય જાય છે. ટ્રાફિકજામની દરરોજની સમસ્યા હોવા છતાં તંત્ર યોગ્ય ધ્યાન ન આપતા આ સમસ્યા વકરી છે અને આજે તો કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો અને હજારો વાહનો ફસાયા હતા. જેથી વાહન ચાલકો કાળઝાળ ગરમીમાં રીતસર ફસાયને શેકાયા હતા.

એક મોટું વાહન ફસાતા ટ્રાફિકજામ થયો

જીતેન્દ્રભાઈ નામના પેસેન્જર વાહન ચાલકે જણાવ્યું હતું કે, આ રૂટ ઉપર મુસાફરોના મોરબી હળવદ હાઇવે વચ્ચે મોરબીથી ઘૂંટું, ઉંચી અને નીચી માંડલ અને આંદરણા એમ 20 કિમિ સુધી ફેરા કરે છે. આમ તો હાઇવેના કામને લીધે આ રૂટ ઉપર રોજ ટ્રાફિકજામ થાય છે. પણ આજે એક ટ્રેલર જેવું મોટું વાહન ફસાયું હતું. જેથી ઘુટુથી માંડલ એમ પાંચથી વધુ કિમિ સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. હજારો વાહનો અટવાયા હતા. અમુક વાહન ચાલકો આડેધડ ઘુસવા લાગતા ભારે ટ્રાફિકજામ થયો હતો અને કલાકો સુધી વાહનો ફસાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ટ્રાફિક કિલિયર કરવા કલાકો સુધી કોઈ ડોકાયું  નહિ

ટ્રાફિકજામમાં ફસાયેલા વાહન ચાલકોએ ઉગ્ર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મોરબી હળવદ હાઇવે ઉપર ઘુટુ ગામની પટ્ટી ઉપર ડબલ ટ્રેકમાં બન્ને બાજુએ એકપણ વાહન ન નીકળી શકે તે રીતે પાંચ કિમિ સુધી ટ્રાફિકજામ થયો હતો.અને સવારે 10 વાગ્યે ટ્રાફિકજામ થયા બાદ મોડે સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. આમ છતાં જવાબદાર તંત્રમાંથી કોઈપણ આ ટ્રાફિક કિલિયર કરવા ડોકાયું ન હતું. કારણ કે આજે સીએમ ચૂંટણી પ્રચાર માટે મોરબી આવ્યા હોય બધો જ પોલીસ સ્ટાફ અને સમગ્ર વહીવટી તંત્ર એમની આગતા સ્વાગતતામાં રોકાયો હોવાથી જનહિત માટે કોઈને પણ ફુરસદ મળી ન હતી. અધિકારીઓ પ્રજાની સેવા માટે છે કે નેતાઓની સેવા કરવા માટે છે ? તેવો સવાલ ઉઠ્યો હતો. જો કે દિવ્ય ભાસ્કરએ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારી હિતેશ આદ્રોજાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પણ એમણે ફોન મોડે સુધી રિસીવ કર્યો ન હતો. તેથી ટ્રાફિક રામભરોંશે થઈ ગયો હતો.