મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની દર્દીઓ લઈ જવા આવવા માટે ઉપયોગમા લેવાતી એમ્બ્યુલન્સનો બીજા જ કાર્ય માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દર્દીઓને બદલે વૃક્ષોના રોપાની હેરફેર કરી એક જગ્યાએ એમ્બ્યુલન્સમાં મહિલા વૃક્ષોના રોપા ઉતારી રહી હોવાનું વિડીયોમાં દેખાય છે. આમ છતાં જિલ્લા આરોગ્ય અધિકારીનું સૂચક મૌન અકળાવી રહ્યું છે.
મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા એમ્બ્યુલન્સનો ગેર ઉપયોગ કરાયો હતો. દર્દીઓ માટેની એમ્બ્યુલન્સનો ઉપયોગ રોપા લાવવા લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા ભરતનગર પ્રાથમિક આયોગ્ય કેન્દ્રને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જિલ્લા પંચાયત કચેરી પાસે પોતાના વાહનો હોવા છતાં એમ્બ્યુલન્સનો દર્દીને બદલે બીજા કામ માટે ઉપયોગ કરાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ મામલે આરોગ્ય અધિકારી ડો. કવિતા દવેનો ફોન પર અનેક વખત સંપર્ક કરતા છતાં જવાબ આપવાના બદલે ફોન કટ કરી મીડિયા કર્મીઓના નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધા હતા. મીડિયાએ આ અધિકારીનો અનેક વખત ફોન પર સંપર્ક કરવા છતાં એકેય વખત તેઓએ ફોન રિસીવ જ કર્યો ન હતો.
ફરી વખત આ ગંભીર ભૂલ ન થવી જોઈએ : ડીડીઓ
ડીડીઓ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત પાસે અન્ય વાહનો હોવા છતાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સનો રોપા માટે ગેર ઉપયોગ કરાયાની ગંભીર બાબત મારા ધ્યાનમાં આવતા જવાબદાર આરોગ્ય વિભાગને દર્દી સિવાય એમ્બ્યુલન્સનો ઉપયોગ ન કરવાની સૂચના આપી હોય અને હવે પછી આવો ઉપયોગ થશે તો ખેર નહિ રહે તેવું તેમણે જણાવ્યું હતું.