સોમનાથના ધારાસભ્ય મોરબી દોડી આવી 24 કલાકમાં આરોપીઓની ધરપકડ ન થાય તો વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાની ચીમકી આપી
મોરબી : મોરબીના રંગપર નજીક લુકાસો સિરામિક ફેકટરીમાં શ્રમિકના મૃત્યુ કેસમાં મામલો ગરમાયો છે. આ કેસમાં ફેકટરી માલિક સહિતના પાંચ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ થયા બાદ પણ હજુ ધરપકડ થઈ ન હોય સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મોરબી દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી મોરબી તાલુકા પોલીસને 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવા જણાવી અન્યથા વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા ચમકી આપી હતી.
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ બંધ પડેલી લુકાસો સિરામિક ફેકટરીમાં ગત તા.11ના રોજ મોરબીના વિક્રમભાઈ પરસોત્તમભાઈ પાટડીયા ઉંચાઈ પરથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના ફેકટરીના માલિક તેમજ ફેક્ટરીનો ઇમલો પાડવા અને પતરા ઉતારવાનું કામ રાખનાર ઈસમોએ સાચી હકીકત છુપાવ્યાના આરોપ સાથે મૃતકના સાળા વિજયભાઈ લાલજીભાઇ ઈંદરિયાએ આરોપી જયદીપ પટેલ, હિરેન પટેલ, ગોપાલભાઈ રહે.ત્રણેય રાજકોટ અને ફેકટરી માલિક જિતેન્દ્ર રંગપરિયા અને અંબારામ રંગપરિયા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધ અંગે ફરિયાદ નોંધાવી છે. જો કે, આ કેસમાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ થઈ નથી.
શ્રમિક યુવકના મોત મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગઈકાલે મોરબી દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વમાં આપી તાલુકા પોલીસ મથકે જઈ પીઆઇ સમક્ષ તત્કાલીક આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી હતી.સાથે જ નો તાત્કાલિક ધરપકડ ન થાય તો વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા ચમકી આપતા મામલો ગરમાયો છે.