મોરબીના સપુર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની સતામણી અને દુષ્કર્મની વધી રહેલી ઘટનાઓ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા ધારાસભ્ય અમૃતિયા કાળઝાળ થયા છે અને લુખ્ખાગીરીને નસતેનાબૂદ કરવા તેઓ મેદાને આવ્યા છે. તેઓએ લુખ્ખા તત્વોને ડામી દેવા પોલીસ કડક હાથે કામ લેશે તેવું જણાવ્યું છે અને મોરબી શાંત શહેર તરીકે ફરી પ્રસ્થાપિત થાય તે માટે તમામ બનતું કરી છૂટશે તેવી ખાતરી આપી છે.
ધારાસભ્યએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, હમણાંથી ગુનાખોરીનું પ્રમાણ વધી ગયું છે. છાનેખૂણે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે. લુખ્ખા તત્વો ફાટીને ધુમાડે ગયા છે આથી મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તેઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ કરીને સૂચના આપી હોય લુખ્ખાગીરીને નાથવા પોલીસ કડક હાથે કામ લેશે સાથે સંઘ અને વિહિપના કાર્યકરો આ કાર્યમાં પોલીસને સહયોગ આપશે.તેઓએ લુખ્ખા તત્વોને ચેતવણી આપતા કહ્યું હતું કે, લુખ્ખા તત્વો ઘરે શાંતિથી બેસી જાય નહિતર તેમના પર કાયદાનો દંડો એવો પડશે કે કાયમ માટે લુખ્ખાગીરીની ખો ભૂલી જશે.