વાંકાનેર: વિકાસના પંથે અગ્રેસર વાંકાનેર શહેર માટે વધુ એક સિદ્ધિરૂપ કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. 'ગતિશીલ વાંકાનેર, ગતિશીલ ગુજરાત' અને 'વિકસિત વાંકાનેર, વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરતાં, વાંકાનેર શહેરના વોર્ડ નંબર-૧ એટલે કે નવાપરા વિસ્તારમાં પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે નવી પાઇપલાઇન નાખવાના કામનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ શુભ પ્રસંગે વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ધારાસભ્યશ્રીએ નવાપરા વિસ્તારના નાગરિકોને શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટે આ યોજના ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વિવિધ સમિતિઓના હોદ્દેદારો, તેમજ ભારતીય જનતા પાર્ટીના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ જનહિતના કાર્યને વધાવી લીધું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સોમાણીએ જણાવ્યું હતું કે, "પાણી એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે અને રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે કે દરેક નાગરિકને પૂરતું પાણી મળે. નવાપરા વિસ્તારમાં આ નવી પાઇપલાઇનથી દાયકાઓ જૂની સમસ્યા દૂર થશે અને લોકોને રાહત મળશે."
આ વિકાસકાર્યથી વિસ્તારના લોકોમાં આનંદ અને સંતોષની લાગણી ફેલાઈ હતી.