વનાળીયા ગામે શાળાના ૧૦૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર યોજાયેલા સ્નેહમિલનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
૨૭૨ ભૂલકાંઓને ભોજન કરાવી પૂર્વ વિદ્યાર્થીઓએ બાળપણ તાજું કર્યું.
મોરબી/વનાળીયા: શ્રી વનાળીયા પ્રાથમિક શાળાના ૧૦૪ વર્ષના દીર્ઘ ઇતિહાસમાં ગત રવિવારે, ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રથમ વખત ઐતિહાસિક પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું. એક સદી કરતાં પણ વધુ સમય બાદ યોજાયેલા આ સ્નેહમિલનમાં વર્ષો પછી શાળાના આંગણે પાછા ફરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જૂની યાદો વાગોળીને ભાવવિભોર બન્યા હતા અને પ્રાંગણમાં અનેક ભાવુક દ્રશ્યો સર્જાયાં હતાં.
આ કાર્યક્રમનું સૌથી પ્રેરણાદાયી પાસું એ રહ્યું કે, પૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ ૨૭૨ ભૂલકાંઓને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, બેન્ક ઑફ ઇન્ડિયા તરફથી માકડીયા સાહેબ હાજર રહ્યા હતા, ત્યારબાદ પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અતિથિઓ અને ગ્રામજનોએ સાથે બેસીને સ્નેહભોજન ગ્રહણ કર્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજી સુમરા દ્વારા સચોટ રૂપરેખા ઘડાઈ હતી, જેને કે. ટી. સુમરા સાહેબે કાગળ પર સુવ્યવસ્થિત રૂપ આપ્યું હતું. મંચ પરથી આ રૂપરેખાની પ્રભાવશાળી પ્રસ્તુતિ બળદેવ વિલપરા સાહેબે કરી હતી. સંસ્કૃત ભાષા પર મજબૂત પકડ ધરાવતા દિવ્યાંગ ભટ્ટે પોતાના ગરિમાપૂર્ણ અને સંસ્કારિત સંચાલન (એન્કરિંગ) દ્વારા સમગ્ર સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. મંચ વ્યવસ્થાની જવાબદારી અજાણા નાનજીભાઈએ ઉત્સાહપૂર્વક સંભાળી હતી, જ્યારે પધારેલા મહેમાનોનું સ્વાગત અને અભિવાદન ભાવેશ વિલપરાએ ઝીલ્યું હતું.
કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે ગામના માજી સરપંચ જીગ્નેશભાઈ વિલપરા, કનૈયાલાલ શિવલાલભાઈ ગામી, ચંદુલાલ દેકાવડીયા અને સંજયભાઈ દેકાવડિયા સતત પ્રોત્સાહક બન્યા હતા. ગામના વડીલ મુરબ્બી ઈશ્વરભાઈના આશીર્વાદ મળ્યા હતા, જ્યારે વડીલ ડૉ. પરમાર સાહેબે આયોજનમાં સિંહફાળો આપ્યો હતો. માતૃસંસ્થાના સ્નેહભાવે છેક વલસાડથી ડાયાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના સરપંચ અબુભાઈ, પંચાયતના સદસ્યો, ગ્રામજનો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો તથા મુખ્ય દાતાઓ અને સહયોગી વિદ્યાર્થીઓ ખડેપગે રહ્યા હતા. સાઉન્ડ વ્યવસ્થા સંભાળી યુવા મંડળે મંચને જીવંત રાખ્યો હતો.
આ સમગ્ર ઐતિહાસિક પળોને ફોટો ગ્રાફર દિવ્યેશ અગ્રાવત (ફોટોઝોન સ્ટુડિયો) એ કેમેરામાં કંડારી આજીવન સ્મૃતિ બનાવી હતી. ૧૦૪ વર્ષે યોજાયેલું આ સ્નેહમિલન વનાળીયા ગામની એકતા અને માતૃસંસ્થા પ્રત્યેના અખૂટ આદરનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું.